Get The App

માત્ર રુ. 2100ના ચાંદીના સિક્કા માટે ગુજરાતી પરિવારના 3ની હત્યા થઈ હતી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
માત્ર રુ. 2100ના ચાંદીના સિક્કા માટે ગુજરાતી પરિવારના 3ની હત્યા થઈ હતી 1 - image


પાલઘરમાં ટ્રિપલ મર્ડર કરનારો ભાડુત યુપીથી ઝડપાયો

બહુ પૈસા મળશે તેવી ધારણા હતી,  પહેલાં માં-દીકરીની હત્યા કરી લાશ પેટીમાં સંતાડી, પછી પિતા બહારથી આવ્યા તો તેમને મોતને ઘાટ ઉતાર્યા

મુંબઈ :  પાલઘરના વાડામાં ઘરમાં ગુજરાતી વૃધ્ધ દંપતી તેમની માનસિક બીમારીથી પીડાતી પુત્રીની હત્યા કરાયેલી લાશ મળવાનો કેસ પોલીસે ઉકેલી લીધો છે. ટ્રિપલ મર્ડરમાં વૃધ્ધાના ઘરે ભાડા પર રહેતા યુવકની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. તેણે ચોરીના ઈરાદે હથોડાના ઘા ઝીંકી હત્યાઓ કરી હતી. ઘરમાંથી રૃ.૨૧૦૦ના ચાંદીના ચાર સિક્કા ચોરી કર્યા હોવાનું કહેવાય છે. તે વૃધ્ધનો મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો.

ઉત્તર પ્રદેશના મેજા ગામમાં પાલઘર પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના સંયુક્ત ઓપરેશનમાં આરીફ અનવર અલી (ઉં.વ.૩૦)ને પકડવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ અહીં લાવવામાં આવ્યો હતો.

સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે 'હત્યા માટે હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અલી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (૧), ૨૩૮ કેસ નોંધવામાં આવ્યો છે.

પાલઘરના વાડા તાલુકામાં નેહરોલી ખાતે ૩૦ ઓગસ્ટના ઘરમાં વોશરૃમ પાસે જમીન પર મુકુંદ બેચરદાસ રાઠોડ (ઉં.વ.૭૫) તથા પતરાની પેટીમાં પત્ની કંચન (ઉં.વ.૭૨) પુત્રી સંગીતા (ઉં.વ.૫૨)ની હત્યા કરાયેલી લાશ મળી હતી. લાશ સડી ગયેલી હાલતમાં હતી. મૃતક સંગીતાના આશરે ૧૫ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. તેની માનસિક સ્થિતિ સારી નહોતી. આ પરિવાર પાસે રોકડ રકમ કે દાગીના નહોતા. તેમનો કોઈની સાથે ઝઘડો પણ નહતો.

મૂળ ગુજરાતનો રાઠોડ પરિવાર વરસોથી અહીં રહેતા હતા. વૃધ્ધ દંપતીનો એક પુત્ર વિરાર અને બીજો પુત્ર રાજકોટમાં રહેતો હતો. વિરારમાં રહેતો પુત્ર ૧૨ ઓગસ્ટના તેમને પૈસા આપવા ઘરે આવ્યો હતો. ત્યારબાદ ૧૭ ઓગસ્ટથી ફોન આવતો હતો.

૩૦ ઓગસ્ટના ઘરે તપાસ કરતા દરવાજાને તાળુ મારેલું હતું. આ તાળુ તોડીને તપાસ કરતાં ત્રણ જણની લાશ મળી હતી. તેમને ત્યાં ભાડા પર રહેતો યુવક તેની પત્ની, બાળકો ગાયબ હતા.

વાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર કીન્દ્રેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'દંપતી પાસે ઘણા પૈસા હોવાનું આરોપી આરિફ માનતો હતો. તે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો. તે સમયે વૃધ્ધા અને તેની પુત્રી ઘરમાં હતા. બંનેની હત્યા કરી ઘરમાં છુપાઈ ગયો હતો. ઘરની બહાર ગયેલા વૃધ્ધ પાછા આવ્યા ત્યારે આરોપીએ તેમને પણ મારી નાખ્યા હતા. ટ્રિપલ મર્ડર બાદ તે રાતે મિત્રના ઘરે ગયો હતો. તેન ેહત્યાની જાણ કરી નહોતી. ત્યારબાદ ટ્રેનમાં ઉત્તર પ્રદેશ નાસી ગયો હતો. આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

બીજી તરફ મર્ડર બાદ આરોપીએ ઘરમાંથી ચાંદીના ચાર સિક્કા ચોરી તેને પ્રયાગરાજમાં રૃ.૨૧૦૦માં વેચી દીધા હોવાનું કહેવાય છે. તેણે ઘરમાંથી અન્ય કોઈ વસ્તુ ચોરી છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News