Get The App

આફરીન માટે નોકરીનો પહેલો દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બન્યો

Updated: Dec 11th, 2024


Google News
Google News
આફરીન માટે નોકરીનો પહેલો દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બન્યો 1 - image


20 વર્ષની આફરીનના ઘરમાં ખુશી માતમમાં ફેરવાઈ

પુત્રીએ પિતાને  છેલ્લો ફોન કરીને કહ્યું હતું, ઘરે આવવા રીક્ષા મળતી નથી

મુંબઈ :  કુર્લા વેસ્ટ બસ અકસ્માતમાં મોતને ભેટનારી ૨૦ વર્ષીય આફરીન શહાની નોકરીનો પ્રથમ દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ બની ગયો હતો. કુર્લા સ્ટેશન પાસેથી રિક્ષા પકડવા છેલ્લી વખત તેણે પિતા સાથે મોબાઇલ ફોનમાં વાત કરી હતી. પરંતુ અકસ્માતને લીધે આફરીન ઘરે પહોંચી શકી નહોતી.

કુર્લા (પશ્ચિમ)માં એસજી બર્વે રોડ પર રાહદારીઓ અને વાહનોને અડફેટમાં લેનારી બેસ્ટ બસ નીચે કચડાઈને મૃત્યુ પામાનારમાં આફરીન એક હતી.

પિતા અબ્દુલ શહાએ પુત્રી સાથે છેલ્લી વખત વાત કરી હતી. ખાનગી કંપનીમાં નવી નોકરી પર પ્રથમ દિવસ પછી તે ઘરે પરત આવવા માટે રિક્ષા પકડવા જઈ રહી હતી. પિતા અબ્દુલે તેને રિક્ષા પકડવા હાઇવે તરફ ચાલીને જવાની સલાહ આપી હતી.

મૃતક આફરીનના પિતાએ કહ્યું કે 'નવી કંપનીમાં કામ પર તેનો પહેલો દિવસ હતો. કામ કર્યા પછી તે કુર્લા સ્ટેશન પર પહોંચી, જ્યાંથી તેણે મને રાતે ૯.૦૯ વાગ્યે ફોન કર્યો હતો કે તેને શિવાજીનગર માટે રિક્ષા નથી મળી રહી. 

મેં તેને હાઇવે તરફ ચાલવા અને ત્યાંથી રિક્ષા પકડવા કહ્યું હતું, પરંતુ રાતે ૯.૫૪ વાગ્યે મને મારી પુત્રીના મોબાઇલ પરથી ફોન આવ્યો. ફોન કરનાર ભાભા હોસ્પિટલનો કર્મચારી હતો, એમ અબ્દુલે દુઃખની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું. તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને આફરીનનો મૃતદેહ કેઝ્યુઅલ્ટી વોર્ડમાં હતો.

અબ્દુલે વધુમાં કહ્યું કે 'સરકારે આવા અકસ્માતોને રોકવા માટે જરૃરી પગલા લેવા જોઈએ. આ વિસ્તારમાં લોકો રસ્તા પર ચાલી શકતા નથી. આટલા વર્ષોથી પરિસ્થિતિ પાર્કિંગ, ફેરિયાઓ, મેટ્રો રેલના કામ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે આ જગ્યા ગીચ છે. લોકોને ચાલવામાં મુશ્કેલી થાય છે.


Tags :
Afrinfirstday

Google News
Google News