મુંબઇમાં ફરી વળ્યો ફૂટબોલ ફિવર ઃ ઊંચા દર ચૂકવી ફાઇનલ માણવાનો ક્રેઝ
- આજે રાત્રે ફ્રાન્સ-આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલની દિલધડક ક્ષણો જોવા લોકો ઉત્સુક
મુંબઇ: હાલ મુંબઇમાં ફૂટબોલ ફિવર જોરમાં હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે. ફ્રાન્સ વિરુદ્ધ અર્જેન્ટિના આ બંને દેશો વચ્ચે ફૂટબોલ વર્લ્ડકપ રવિવારે રાત્રે યોજનાર છે ત્યારે મુંબઇની અનેક ફાઇવસ્ટાર હોટલો પબ્જ અને ક્લબોમાં બુકિંગ ફુલ થઇ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે બુકિંગના દરો એક લાખ સુધી પહોંચી ગયા છે. શહેરના કેટલાક મુખ્ય મોલમાં પણ વિશાળ સ્ક્રીન તૈયાર કરીને 450થી 500 રૂપિયા સુધીના ટિકિટ દરો લેવાઇ રહ્યા છે.
જોકે ભારતમાં ક્રિકેટની તુલનામાં ફૂટબોલ લોકપ્રિય નથી છતાં આ વખતે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બાંદ્રા- બીકેસીમાં આશરે ૫૦ કરતા પણ વધુ નાઇટ લાઇફની અનુભૂતિ આપતાં કેફે આવેલા છે. ફૂટબોલ નિમિત્તે બાંદ્રા કરતા બીકેસીમાં વધુ દર લેવામાં આવી રહ્યા છે. એકલાં નહીં પણ ગુ્રપના સદસ્યોની સંખ્યા અનુસાર પેકેજ લેવાય છે. આશરે ૧૫ હજાર રૂપિયા આ પેકેડનો દર અર્થાત કવર ચાર્જ છે. ફૂટબોલના મુકાબલા માટે તો આ કવર ચાર્જ એક લાખ સુધી પહોંચી ગયો છે.
લોકોમાં ફૂટબોલ વિશેનો વધતો ક્રેઝ જોતાં મુંબઇની અનેક હોટલોએ આ મુકાબલાનો પ્રેક્ષકો આનંદ લઇ શકે તે હેતુથી આ માટેની વિશેષ તૈયારીઓ આરંભી છે. દર શુક્ર- શનિવારે હાઉસફૂલ હોય એવા ક્લબો અને પબ્જમાં ૭૦ એમએમ આકારની વિશાળ સ્ક્રીન તૈયાર કરવામાં આવી રહી છે. કેટલીક હોટલોમાં ખાણી-પીણીના વિશેષ પેકેજ રાખવામાં આવશે. તો કેટલાંક તારક કેફેમાં સેલિબ્રિટી થકી પ્રચાર કરીને તેમના મારફતે કેટલીક (મુકાબલા પૂર્વે) ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની પબ્જ અને કેફેમાં બંને દેશોની જર્સીઓ પણ વેચાણ માટે ઉપલબ્ધ રખાશે.
હોટેલ વ્યાવસાયિક વિશાલ કામતે જણાવ્યું હતું કે ફૂટબોલ વર્લ્ડકપને કારણે નિશ્ચિત હોટેલ ઉદ્યોગને ફાયદો થશે. આ રમત એકલા જોવા કરતા મિત્રો સાથે જોવાનો લોકોનો વધારે ક્રેઝ હોય છે ત્યારે નક્કી લોકો વિવિધ કેફે, ક્લબ અને હોટલોમાં કોવિડ પછીની આ સકારાત્મક પરિસ્થિતિનો આનંદ લેવાનું ચૂકશે નહીં.