10 આશ્રમશાળાની 64 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
સોમવારે રાતે જમ્યા બાદ ટપોટપ બીમાર પડી
દહાણુ તાલુકાની વિદ્યાર્થિનીઓને રાતે 2 વાગ્યા પછી હોસ્પિટલ ખસેડાઈ
મુંબઇ : મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં ખોરાકી ઝેરની મોટી ઘટના સામે આવી છે. દહાણુ તાલુકાની આશરે ૧૦ આદિવાસી આશ્રમશાળાની ૬૪ વિદ્યાર્થિનીઓ ભોજન બાદ માંદી પડી હતી. સોમવારે રાત્રે ભોજન કર્યા બાદ આ વિદ્યાર્થિનીઓ બિમાર પડી હતી. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જિલ્લાધિકારીએ જણાવ્યું હતું.
પાલઘર જિલ્લાના દહાણુના રાંકોલ ગામની આશ્રમશાળામાં આ ઘટના બની છે. જ્યાં ૨૮ વિદ્યાર્થિનીઓને રાત્રે ૨.૩૦ વાગ્યાની આસપાસ ઊલ્ટી તેમજ પેટમાં આંટી ચડવા માંડી હતી અને તાવની અસર દેખાઈ હતી. આથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમની સારવાર દરમ્યાન જ અન્ય ૧૬ છોકરીઓને પણ આવી જ તકલીફ થવા માંડતાં બાદમાં તેમને પણ દાખલ કરવામાં આવી હતી.
જ્યાં વિદ્યાર્થિનીઓ માંદી પડી છે તે આશ્રમશાળાઓ દહાણુ, પાલઘર, વસઈ અને તલાસરી તાલુકામાં આવેલી છે. જોકે રાંકોલની વધુ વિદ્યાર્થિનીઓ બિમાર પડી છે. આ સ્કૂલો દહાણુના ઈન્ટિગ્રેટેડ ટ્રાઈબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઈટીડીપી) હેઠળ ચલાવાઈ રહી છે. જોકે અધિકારીઓને એવી શંકા છે કે પાલઘરના સેન્ટ્રલ કિચનમાં જ્યાં રસોઈ બને છે, ત્યાં આ ફૂડ પોઈઝનિંગના મૂળિયાં હોવા જોઈએ.
છતાં રાંકોલની શાળાના ભાત, દાળ અનેપાણીના નમૂના તપાસ માટે મોકલ્યાં છે. સોમવારે રાત્રે જેમણે પણ ભોજન કરેલું તે તમામ વિદ્યાર્થીની મેડિકલ તપાસ કરાઈ છે.