નેતાઓમાં ફફડાટઃ સીએમ, બંને ડે સીએમ, મંત્રીઓ, પક્ષોની ઓફિસો પર કિલ્લેબંધી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
નેતાઓમાં ફફડાટઃ સીએમ, બંને ડે સીએમ, મંત્રીઓ, પક્ષોની ઓફિસો પર  કિલ્લેબંધી 1 - image


મરાઠા આંદોલનમાં નેતાઓને નિશાન બનાવાતાં એજન્સીઓ  સતર્ક

ભૂજબળ સહિતના ઓબીસી મંત્રીઓની પ્રોપર્ટીઓ પર ખાસ તકેદારીઃ મંત્રીઓ, નેતાઓનાં વતનનાં રહેણાંકો પર પણ પોલીસ ખડકી દેવાઈ

મુંબઈ :  મરાઠા અનામત આંદોલનકારીઓએ નેતાઓને નિશાન બનાવવા માંડતાં દોડતી થયેલી સુરક્ષા એજન્સીઓએ રાજ્યના મુખ્યપ્રધાન, બંને નાયબ મુખ્યપ્રધાન તથા મંત્રીઓ સહિત સત્તાધારી પક્ષોના મહત્વના નેતાઓની સુરક્ષા વધારી દીધી છે. રાજ્યનાં મંત્રાલય, મુંબઈ ખાતે આવેલા મંત્રીઓના બંગલા ઉપરાંત મંત્રીઓના વતનમાં તેમનાં નિવાસસ્થાનો, વ્યવસાયિક પ્રોપર્ટીઓ ઉપરાંત રાજકીય પક્ષોની ઓફિસો પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ અનામત આંદોલનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બની રહેલા હિંસક બનાવોમાં ધારાસભ્યોનાં ઘર તથા ઓફિસોને આગચંપી તથા રાજકીય પક્ષોની કચેરીઓને આગચંપીના એકથી વધુ બનાવો બનતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. 

મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સાઉથ મુંબઈ ખાતેના સત્તાવાર બંગલો ઉપરાંત થાણે ખાતેના તેમના અંગત રહેઠાણ ખાતે પણ સલામતી બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. નાયબ મુખ્યપ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, ભાજપના પ્રદેશ પ્રમુખ ચન્દ્રશેખર બાવનકુળે, રાજ્યના અન્ય પ્રધાનોને ત્યાં પણ વધારાના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. 

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ  અજિત જૂથના પ્રધાન છગન ભૂજબળ તથા ધાનગર નેતા પ્રકાશ શેંગડેનાં ઘર, ઓફિસ તથા વ્યવસાયના સ્થળોએ સલામતી વધારવાના આદેશો આપ્યા છે. બાન્દ્રા ઈસ્ટ ખાતે આવેલી ભૂજબળ પરિવારની મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળની શૈક્ષણિક  સંસ્થાઓ ખાતે પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. 

મુખ્યપ્રધાને સોમવારે રાતે રાજ્યમાં  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં ધારાસભ્યોનાં ઘર તથા ઓફિસોને આગચંપીની ઘટનાઓની ગંભીર નોંધ લઈ રાજ્ય પોલીસને તમામ મહત્વના નેતાઓ, ધારાસભ્યો, સાંસદોનાં ઘર તથા ઓફિસોની સુરક્ષા બાબતે તકેદારી વધારી દેવા જણાવાયું હતું. 

મુંબઈના મલબાર હિલ ખાતે આવેલા મંત્રીઓના બંગલા આસપાસ સલામતી બંદોબસ્ત વધુ સઘન બનાવી દેવાયો છે. આ ઉપરાંત મંત્રીઓના તેમના વતનના વિસ્તારોમાં આવેલાં ઘરો આસપાસ પણ સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે. 


Google NewsGoogle News