Get The App

ખાનગી હોસ્પિટલોમાં ફલૂના દર્દીઓ વધ્યા પણ પાલિકાનો સબ સલામતનો દાવો

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
ખાનગી હોસ્પિટલોમાં ફલૂના દર્દીઓ વધ્યા પણ પાલિકાનો સબ સલામતનો દાવો 1 - image


મેલેરિયા, ડેન્ગ્યૂના કેસો ઘટયા હોવાનો મહાપાલિકાનો દાવો

 દર 10માંથી 8 દર્દીઓ ફલૂના આવે છેઃ ફેફસામાં ચેપ સાથે ભારે તાવ સહિતના લક્ષણોના કેસ વધ્યા

મુંબઇ :   એક તરફ ખાનગી હોસ્પિટલો એમ કહે  છે કે મુંબઇમાં એચ૧એન૧(જેને ફ્લુ કહેવાય છે)ના કેસમાં વધારો થયો છે. જ્યારે બીજીબાજુ મહાનગરપાલિકાએ એવો દાવો કર્યો  છે કે ચોમાસામાં ફેલાતા મેલેરિયા, લેપ્ટોસ્પાઇરોસીસ,ડેન્ગુ વગેરેના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 

મુંબઇની અમુક ખાનગી હોસ્પિટલોનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે હાલ અમારી પાસે દર ૧૦માંથી આઠ દરદીઓ એચ૧એન૧નાં આવે છે. આ દરદીઓને ૧૦૩ ડિગ્રી જેટલો તાવ હોય છે. ચિંતાજનક બાબત તો એ છે કે ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં એચ૧એન૧નાં જે દરદીઓ આવે છે તેમને ફેફસાંમાં ચેપ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. 

ચોમાસાના વરસાદી માહોલમાં મેલેરિયા, ડેન્ગુ, લેપ્ટોસ્પાઇરોસીસ જેવી પાણીજન્ય બીમારી ફેલાય છે. મુંબઇમાં  દર ચોમાસામાં ઘણાં પરાં વિસ્તારોમાં  વરસાદનાં પાણી ભરાઇ જાય છે. પરિણામે તે સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ વધે. સાથોસાથ  કૂતરાં અને બિલાડી જેવાં પ્રાણીઓનાં મળ-મૂત્રને કારણે  પણ ગંદકી ફેલાય છે.આવા પ્રદૂષિત પાણીમાંથી પસાર થતાં નાગરિકોને તેની અસર થાય છે. પરિણામે તેઓને લેપ્ટોસ્પાઇરોસીસ,મેલેરિયા, ડેન્ગુ વગેરે જેવી બીમારી થાય છે.

ખાનગી હોસ્પિટલના ચેપી રોગના નિષ્ણાત તબીબોએ એવી ચિંતા વ્યકત કરી છે કે  શહેરમાં ૨૦૨૪ના ચોમાસામાં મેલેરિયા અને ડેન્ગુના કેસમાં વધારો થવાની  પૂરી શક્યતા છે.  ખાસ કરીને એચ૧એન૧નો ચેપ  વધુ ફેલાઇ શકે છે. શહેરમાં કોરોનાની પણ બહુ ઓછી અસર હોવાનું જાણવા મળ્યું છે.  

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનાં ઉચ્ચ  અધિકારી ડો.દક્ષા શાહે એવી માહિતી  આપી હતી કે  મુંબઇમાં ૨૦૨૩ના જૂનમાં એચ૧એન૧નાં ૩૦ દરદીઓ નોંધાયાં હતાં, જ્યારે ૨૦૨૪ના જૂનમાં ફક્ત ૧૦ દરદીઓ નોંધાયાં છે. એટલે કે શહેરમાં ૨૦૨૪માં મેલેરિયા, ડેન્ગુ, લેપ્ટોસ્પાઇરોસીસના કેસમાં ઘટાડો નોંધાયો છે. ચોમાસાની શરૃઆત પહેલાં પાલિકાએ શહેરમાં નાળાં સફાઇ સહિત જરૃરી બધી વ્યવસ્થા કરી હોવાથી ગંદકી નથી ફલાઇ. 

મહાનગરપાલિકા પાસે એચ૧એન૧ના કેસની સંખ્યા ઓછી હોવાનાં પણ કારણો છે. એક, એચ૧એન૧નું તબીબી પરીક્ષણ પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં નિઃશુલ્ક થાય છે. જ્યારે ફ્લુનાં દરદીઓનું તબીબી પરીક્ષણ ખાનગી હોસ્પિટલોમાં તથા લેબોરેટરીઓમાં થાય છે. મહત્વની બાબત તો એ પણ છે કે ખાનગી હોસ્પિળોએ અને લેબોરેટરીઓએ એચ૧એન૧નાં દરદીઓની વિગતો પાલિકાને આપવી ફરજિયાત નથી. જોકે કોવિડ, ડેન્ગુ, મેલેરિયાનાં દરદીઓની માહિતી પાલિકાને આપવી ફરજિયાત  છે. 

મુંબઇમાં ૨૦૨૩ના જૂનમાં લેપ્ટોસ્પાઇરોસીસના ૯૭ કેસ નોંધાયા હતા. જ્યારે ૨૦૨૪ના જૂનમાં પાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં ફક્ત ૨૮ કેસ નોંધાયા હતા. અગાઉ  આ વર્ષના જૂનમાં પાલિકાના જંતુનાશક વિભાગની નાઇટ રેટ કિલર્સ ટીમ દ્વારા ૩૭,૦૦૦ ઉંદરોનો નાશ કર્યો હતો. ઉંદરોને કારણે જ બેક્ટેરિયા લેપ્ટોસ્પાઇરા નામની બીમારી ફેલાય છે.  



Google NewsGoogle News