દિલ્હીથી મુંબઇ માટે ઉડાન ભરેલી ફલાઇટે હાઇજેકનો એલર્ટ મેસેજ મોકલ્યો
ફલાઇટમાં 126 પ્રવાસીઓ હતા મુંબઇ લેન્ડ થયા બાદ કલાક સુધી તપાસ ચાલી
તમામ સિક્યુરિટી તંત્ર કાર્યરત થઇ ગયું, પાઇલોટે જાણ કરી ખોટું એલાર્મ હતું
મુંબઇ - નવી દિલ્હી મુંબઇ આવતી એર ઇન્ડિયાની ફલાઇટે ઉડાન દરમિયાન દિલ્હીના એર ટ્રાફિક કંટ્રોલને (એટીસી) હાઇજેક્ટનો સંકેત આપતું ઇમરજન્સી સિગ્નલ મોકલ્યું હતું. સોમવારે રાત્રે ૮.૪૦ દરમિયાન ૧૨૬ પ્રવાસીઓ સાથે ફલાઇટ તેના પ્રવાસે હતી. સિક્યુરિટી પ્રોટોકોલ અનુસરીને એટીસીએ તરત જ મુંબઇ એરપોર્ટ, સિક્યુરીટી એજન્સી અને ઇન્ડિયન એરફોર્સને (આઇએએફ) એલર્ટ કર્યા હતા.
એર ઇન્ડિયની દિલ્હી મુંબઇની ફલાઇટ એઆઇ ૨૯૫૭ દ્વારા મળેલા ઇમરજન્સી એલર્ટ બાદ સેન્ટ્રલ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં દિલ્હી પોલીસના પ્રતિનિધિઓ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરીટી ફોર્સ (સીઆઇએસએફ) એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ), બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરીટી (બીસીએએલ) અને આઇએએફ સામેલ થયું હતું. દિલ્હી એરપોર્ટ અધિકારીઓના જણાવ્યુનુસાર વિમાનના ટ્રાર્ન્સોન્ડરે સ્કવૉક ૭૫૦૦ નામે કોડ મોકલ્યા બાદ સાવચેતીની સ્થિતિ ઉભી થઇ હતી. આ કાંડ વિમાનમાં ગેરકાનૂની હિલચાલને સૂચવે છે. વિમાનના ટેક-ઓફ બાદ તરત જ આ સંદેશો મોકલવામાં આવ્યો હતો.
જોકે વિમાનના પાયલોટે એટીસીને તરત જ જાણ કરી હતી કે મળેલું સિગ્નલ ખોટું એલાર્મે હતું. તેમ છતાં સત્તાવાળાઓએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું પાલન કરીને પરિસ્થિતિને સુરક્ષા જોખમ તરીકે ગણાવી હતી. એટીસીના ભૂતપૂર્વ અધિકારીએ આ અભિગમની જરૃરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, એટીસી કેવી રીતે માની શકે કે પાઇલોટ કોઇ પણ દબાણ વિના સત્તાવાળાઓને જાણ કરે છે કે ફલાઇટમાં કંઇક અનિચ્છનીય બન્યું છે ? શું ખબર તેને બંદૂકની ધાક બતાવી આવું બોલવા દબાણ કરાયું હોય ?
ઇમરજન્સી પ્રતિસારના ભાગ રૃપે મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે ૯.૩૦ વાગ્યે પૂર્ણપણે ઇમરજન્સી લાગુ કરી દેવાઇ હતી અને સ્થાનિક પોલીસબળ, સીઆઇએસએફ અને નેશનલ સિક્યુરીટી ગાર્ડને (એમએલજી) તહેનાત કરાયા હતા. મુંબઇ ખાતે સુરક્ષિતપણે ૯.૪૭ વાગ્યે ફલાઇટ લેન્ડ થઇ હતી. જ્યાંથી તેને તરત આઇસોલેટ કરવામાં આવી હતી. અધિકારીઓએ પ્રવાસીઓને ઉતરવા માટે પરવાનગી આપતા પહેલાં સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી જેમાં પ્રવાસીઓને કલાકનો વિલંબ થયો હતો.