નવી મુંબઈમાં ફલેમિંગો પર ડ્રોન્સના કારણે પણ ભારે જોખમ
ડ્રોન્સની બ્લેડથી પક્ષીઓને ઈજા થઈ શકે છે
ફલેમિંગોની તસવીરો લેવા કે તેમની સતામણી માટે ડ્રોન્સનો ઉપયોગઃ પક્ષીઓની હારોહાર ડ્રોન ઉડાડવાની ઘેલછા અકસ્માત નોતરશે
મુંબઇ : નવી મુંબઈના વેટલેન્ડ્સમાં ફ્લેમિંગોની સુરક્ષા સામે ડ્રોન મોટું જોખમ ઊભું કરી રહ્યા છે. પર્યાવરણવાદી સંસ્થાઓએ ડ્રોનના જોખમ અંગે રાજ્ય સરકારને તથા પોલીસને ફરિયાદ કરી છે. મુંબઈના ઘાટકોપરમાં થોડા દિવસ અગાઉ ફ્લેમિંગોનું જૂથ ફલાઈટ સાથે અથડાતાં ૪૦ પક્ષીનાં મોત થયાં હતાં. પર્યાવરણવાદીઓ કહે છે કે આવું જ જોખમ આજકાલ વધી પડેલી ડ્રોન ઉડાડવાની એક્ટિવિટીના કારણે પણ સર્જાઈ શકે છે.
પર્યાવરણ સંસ્થા નેક ફાઉન્ડેશને મુખ્ય પ્રધાન કાર્યાલયમાં ે ફરિયાદ કરી કહ્યું કે અહીંના વેટલેન્ડ્સમા (જે જમીન પર થોડો સમય અથવા હંમેશ પાણી ભરાયું હોય, દરિયાકિનારા પાસેની જમીન) આવતા સારસ પક્ષીઓ (ફ્લેમિંગો) પર ડ્રોન્સ ઉડતા જોવા મળે છે. કેટલાક ડ્રોન્સ આ ફ્લેમિંગોના જૂથની ઉપર ફક્ત એક કે બે ફૂટ પર ઉડાવવામાં આવતા હોય છે. જે પક્ષીઓ માટે જોખમકારક બની શકે છે. ડ્રોનની ગોળ ફરતી બ્લેડ તીક્ષણ હોય છે જે ફ્લેમિંગોને ઇજા પહોંચીડ શકે છે અથવા મૃત્યુ નિપજાવી શકે છે.
કોઈ વાર ઊડી રહેલા પક્ષીઓના ઝૂંડની પાછળ ડ્રોન્સ પીછો કરતા જોવા મળે છે જે તેમના માટે જોખમી નિવડી શકે છે, તેવું ફાન્ડેશનના ડિરેક્ટરે કહ્યું હતું. તેમણે મુખ્ય પ્રધાનને કરેલી ફરિયાદની નકલ રાજ્યના ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ), નવી મુંબઈ પોલીસ કમિશનર અને મેન્ગ્રોવ સેલને કરી છે.
એક બર્ડવોચરે કહ્યું કે ડ્રોન સંસ્કૃતિ એમએમઆરના તમામ ફ્લેમિંગો ક્ષેત્ર પર ફેલાયું છે. સ્થાપિત હિતોનો ચડામણીથી કેટલાક તોફાની તત્ત્વો ફ્લેમિંગોને ભગાવવા ડ્રોન ઉડાવતા હોય છે તેવી પણ એક સંભાવના છે તેવું પર્યાવરણવાદીઓનું કહેવું છે. એક વાર યાયાવર પક્ષીઓ અહીં ભેગા થવાનું બંધ કરી દે તો જમીન મુક્ત કરી ડેવેલોપમેન્ટ માટે સ્થાપિત હિતો દાવો કરી શકે છે તેવું એક એક્ટિવિસ્ટે કહ્યું હતું.