પનવેલમાં પાંચ ઈંચ , કળંબોલીમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યાં
- વરસાદ બંધ થયા પછી પણ કલાકો સુધી જળબંબાકાર
- પનવેલમાં પૂરનું પાણી કાઢવા ૭૦ માંથી 27 પમ્પ માત્ર
કળંબોલીમાં કાર્યરત કરાયાં, 200 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
મુંબઈ : શનિવારની
મધરાતથી રવિવારની સવારે ૧૧ વાગ્યા સુધી પનવેલમાં
૧૨૧.૬૭ મિલીમીટર વરસાદ પડતાં સમુદ્રસપાટી કરતાં નીચાણવાળા વિસ્તારોમાં
વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ પાણી ઓસર્યા નહોતા. ત્યારબાદ પણ બે ફૂટ જેટલાં
પાણી ભરાયેલું રહેતાં વિવિધ વિસ્તારોમાં વરસાદ અટકી ગયા બાદ પણ પૂરસ્થિતી યથાવત્
રહી હતી.
કળંબોલીમાં સેક્ટર
૨થી ૧૦ વિસ્તારના નીચાણવાળા ઘરોમાં સૌથી વધુ પાણી ભરાયા હતાં. કેએલ ૧, એલઆઈજીની બેઠી ચાલીઓ
વાળા વિસ્તારો સહિત એ ટાઈપ અને બી ટાઈપ ઈમારતોમાં વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ
પાણી ન ઓસરતાં લોકો ચિંતામાં મૂકાયા હતાં. વળી બપોરે ૧.૧૫ વાગ્યાથી દરિયામાં ફરી
ભરતી આવતાં મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપનના મોટર પમ્પ શરુ હોવા છતાં બે ફૂટ
જેટલાં પાણી ભરાયેલાં જોવા મળ્યા હતાં.
પનવેલ મહાપાલિકા
વિસ્તારમાં સર્વત્ર ભરાયેલું પાણી ડેમમાં તેમજ લોકવસ્તીથી દૂર કરવા માટે પાલિકાએ
૭૦ મોટર પમ્પ કાર્યરત કર્યા હતાં. તેમાંના ૨૭ તો માત્ર કળંબોલીમાં જ લગાવાયા
હોવાની માહિતી પાલિકાના ડે.કમિશ્નરે આપી હતી. કળંબોલીનું પાણી કાઢવા અને અન્ય
સફાઈના કામકાજ માટે રવિવાર છતાં પાલિકાએ ૩૫૦ કર્મચારીઓને તૈનાત કર્યા હતાં.
પાલિકા પ્રશાસને
સમયસર નાળાસફાઈ કરી ન હોવાનો આ ફટકો બેઠો હોવાનો આરોપ સ્થાનિકોએ કર્યો હતો. કાસાડી
નદી કિનારા પાસેના ૬૦ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે બુદ્ધ વિહારમાં ખસેડાયા હતાં તો
પટેલ મહોલ્લાના જે પરિવારોને પૂરનું જોખમ હતું તેવા ૧૬૦ નાગરિકોને ઉર્દૂ શાળામાં
સ્થળાંતરિત કરાયા હતાં. સ્થળાંતરીતો માટે પાલિકાએ જમવાની સુવિધા ઉપરાંત મેડિકલ
ચેકઅપ માટે એક મેડિકલ કર્મચારી પણ પાલિકાએ ઉપલબ્ધ કરાવ્યા હતાં.