ધૂળેમાં પીકઅપ ટ્રક અને ઈકો વાન વચ્ચે અથડામણ થતાં પાંચના મોત : ચાર ઘાયલ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ધૂળેમાં પીકઅપ ટ્રક અને ઈકો વાન વચ્ચે અથડામણ થતાં પાંચના મોત : ચાર ઘાયલ 1 - image


- કિર્તનમાંથી પાછા ફરતા લોકોના વાહનને અકસ્માત

- પીકઅપ વાન ચાલક દારુના નશામાં ધૂત હતો

મુંબઇ : ધૂળેના શિંદખેડામાં દસવેલ જંકશન પાસે આજે સવારે પીક-અપ ટ્રક અને ઈકો વાન સામ સામે અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તો ચાર શખ્સો આમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના  આજે વહેલી સવારે  બની હતી. જેમાં  વરુલ ગામમાંથી કીર્તનનો કાર્યક્રમ પૂર્ણ કરીને આ તમામ લોકો ખાનગી ઈકો  વાનમાં સવાર થઈને  પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે દસવેલ કાંટા પાસે સામેથી  પૂરપાટ  ઝડપે આવી રહેલ પીકઅપ ટ્રકે ઈકો વાનને જોરદાર ટક્કર મારી હતી. જેથી ભીષણ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત પાંચનું  ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ અકસ્માતમાં ચાર શખ્સો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું.

આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા. આ  બાદ પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરીને  પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં  પ્રાથમિક તપાસ મુજબ પીકઅપ વાન ચાલક દીપક  દારુના નશામાં ધૂત હોવાની હાલ પોલીસને આશંકા છે.

આ અકસ્માતમાં પીકઅપ વાન ચાલકને પણ ઈજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં  પાટણ, પશ્તે, અમલથે, પારસમળ અને શિંદખેડા ગામના પ્રવાસીઓ સામેલ હતા. 

આ અકસ્માત બાદ પોલીસે પીકઅપ વાન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News