અરબી સમુદ્રમાં સબમરીન સાથે ફિશિંગ બોટની અથડામણ
નેવીના 6 જહાજો અને 1 ક્રાફટની મદદથી બચાવકાર્ય
ક્ષતિગ્રસ્ત બોટમાં પાણી ભરાતાં દરિયામાં કૂદી પડેલા 13માંથી 11 ક્રુ મેમ્બરને બચાવાયા : 2ની શોધ ચાલુ
મુંબઇ : અરબી સમુદ્રમાં ગોવાના કિનારાથી ૭૦ નોટીકલ માઇલ દૂર ગઇ રાત્રે સબમરીન સાથે ફિશિંગ બોટની જોરદાર અથડામણ થઇ હતી. આ અકસ્માતની જાણ થતા નેવીના છ જહાજ અને હેલિકોપ્ટર મધદરિયે શોધ અને બચાવકાર્ય માટે પહોંચી ગયા હતા. ક્ષતિગ્રસ્ત બોટમાં પાણી ભરાવા માંડતા દરિયામાં કૂદી પડેલા ૧૩માં થી ૧૧ માછીમારો-ખલાસીઓને ઉગારી લેવામાં આવ્યા હતા. જ્યારે બેની શોધ ચાલું છે.
નેવીના પ્રવક્તાના જણાવ્યા મુજબ 'માર્થોમા' નામની ભારતીય ફિશિંગ બોટ ગોવાના દરિયા કિનારા નજીક સબમરીન સાથે અથડાઇ હતી. આ અકસ્માતની મુંબઇના મેરીટાઇમ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર (એમઆરસીસી)ને જાણ થતાની સાથે જ કન્ટ્રોલ રૃપે નેવીને અકસ્માતની માહિતી આપી હતી. તરત જ નેવીના છ યુદ્ધ જહાજ અને એક હેલિકોપ્ટરને બચાવકાર્ય માટે રવાના કરવામાં આવ્યા હતા. રાતના ગાઢ અંધારામાં મધદરિયે કલાકોની જહેમત બાદ ૧૧ જણને બચાવી લેવામાં નેવીને સફળતા મળી હતી. બાકીના બે માછી મારોની શોધ ચાલું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલું છે. અથડામણને લીધે નેવીની સબમરીનને કેટલું નુકસાન થયું છે કે નથી થયું તેની પણ વિગતો મળી નથી.
નેવી દ્વારા ચલાવવામાં આવતા બચાવ-શોધકાર્ય (સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન)માં મદદરૃપ થવા માટે કોસ્ટગાર્ડના જહાજ અને એરક્રાફ્ટને મોકલવામાં આવ્યા હોવાનું એમઆરસીસી કન્ટ્રોલ રૃમે જણાવ્યું હતું.
a