Get The App

સાંગલીની કૃષ્ણા નદીમાં પ્રદૂષણથી માછલીઓ ટપોટપ મૃત્યુ પામી

Updated: Mar 10th, 2023


Google NewsGoogle News
સાંગલીની કૃષ્ણા નદીમાં પ્રદૂષણથી માછલીઓ ટપોટપ મૃત્યુ પામી 1 - image


1 માસ પહેલાં પણ જળચરોનાં મોત પછી પણ તંત્ર ઊંઘતું રહ્યું

સાકરના કારખાનાંઓમાંથી ઝેરી રસાયણ ઠલવાતું હોવાના આરોપોઃ સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ

મુંબઇ :  આજે મહારાષ્ટ્રના સાંગલી શહેરની કૃષ્ણા નદીમા અગણિત માછલીઓ મૃત્યુ પામી હતી. કૃષ્ણા  નદીમાં બેહદ  પ્રદૂષણ વધી જતાં સાંગલી-કોલ્હાપુર રોડ પરના અંકલી પુલ  નીચેના હિસ્સામાં લાખો માછલીઓ મૃત્યુ  પામી હોવાના ચિંતાજનક સમાચાર મળે છે.કૃષ્ણા  નદીમાં એક સાથ અગણિત માછલીઓ મૃત્યુ પામવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ ગઇ હતી. જોકે મરી ગયેલી માછલીઓ પકડવા માટે અસંખ્ય લોકો પણ ભેગાં થયાં હતાં.

 આ ચિંતાજનક    ઘટનાના સમાચાર મળતાં જ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સાંગલીની કૃષ્ણા નદીના પાણીના નમૂના મેળવીને  તેનું  પરીક્ષણ કર્યું હતું. 

સાંગલીનાં વેપારી  સૂત્રોએ   ભારે નિરાશા અને આક્રોશ વ્યકત કરતાં ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે હજી એક મહિના પહેલાં પણ નદીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી હતી. આમ છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઇ જ નક્કર કાર્યવાહી નથી કરતું. લોક માતાને  ગંદી-ગોબરી કરનારાં તત્ત્વો વિરુદ્ધ કોઇ જ  જાતની કાર્યવાહી નથી કરતું. 

એક સાથે આટલી મોટી સંખ્યામાં   માછલીઓ મૃત્યુ પામતી  હોવાનું મૂળ કારણ સાકરનાં કારખાનાંમાંથી છોડવામાં આવતું હાનીકારક રસાયણ હોવાની ફરિયાદ પણ થઇ રહી છે. ઉદાહરણરૃપે  કરોડ શહેરનાં સાકરનાં કારખાનાંમાંથી કૃષ્ણા નદીમાં  હાનીકારક રસાયણ છોડવામાં આવતું હોવાની ફરિયાદ થાય છે. સ્થાનિક સુશિક્ષિત અને જાગૃત   નાગરિકોએ આ  સમસ્યા બાબતમાં રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  સમક્ષ વારંવાર રજૂઆત કરી હોવા છતાં બોર્ડે  નદીમાં હાનીકારક રસાયણ છોડતાં તત્ત્વો વિરુદ્ધ કોઇ જ કડક કાર્યવાહી નથી કરી. 

નાગરિકોમાં એવી ચર્ચા પણ થાય છે કે પેલાં સાકરનાં કારખાનાં સાથે  એક કે બીજી રીતે  રાજકીય નેતાઓ  સંકળાયેલા હોવાથી કોઇ ગંભીર કે કડક કાર્યવાહી નથી થતી. ન માની શકાય તેવી બાબત તો એ છે કે સાંગલી મહાનગરપાલિકાના ક્ષેત્રમાં  કૃષ્ણા નદીમાં દરરોજ લગભગ સાડા પાંચ કરોડ લિટર જેટલું ગંદુ-દુર્ગંધવાળું  પાણી છોડવામાં આવે છે. ઉપરાંત,  નદી કિનારા પરની  ગ્રામ પંચાયતો દ્વારા પણ  કૃષ્ણા નદીમાં ગંદુ પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ થાય છે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફક્ત એકાદ નોટિસ પાઠવીને સંતોષ માની લેતી હોવાની ફરિયાદ પણ  થાય છે. 

સ્થાનિક લોકોમાં  તો એવી ચર્ચા પણ થાય છે કે કૃષ્ણા નદીમાં  પ્રદૂષણની માત્રા ઘણી વધી જતા અગણિત માછલીઓ મૃત્યુુ પામી  છે. હવે   સરકારી તંત્ર  કૃષ્ણાનું  ઝેરી જળ પીને નાગરિકોનાં મૃત્યુ થાય તેની રાહ જોતું હોય તેવો લોક આક્રોશ પણ ફેલાયો  છે.



Google NewsGoogle News