મહારાષ્ટ્રમાં પહેલીવાર પુણેમાં સ્વદેશી રોબોટ દ્વારા રોબોટિક સર્જરી
અગાઉ દિલ્હી તથા હૈદરાબાદમાં આવી સર્જરી થઈ છે
ડૉક્ટર ખુરશી પર બેસી રહી રોબોટિક આર્મ્સ, ઈમર્સિવ થ્રીડી એચડી હેડસેટ અને વિઝનકાર્ટની મદદથી સર્જરીને નિર્દેશ આપે છે
મુંબઈ - મહારાષ્ટ્રના પુણેમાં ભારતના પહેલા મેઈડ ઈન ઈન્ડિયા સર્જિકલ રોબોટ દ્વારા સર્જરી પાર પાડવામાં આવી હતી. આ રોબોટને ભારતની નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશન (સીડીએસસીઓ)ની મંજૂરી મળી છે. સૌપ્રથમ ઈન્ડિયન મેડ સર્જિકલ રોબોટ સિસ્ટમ નવી દિલ્હીમાં રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટયૂટમાં બેસાડાઈ હતી. ત્યારબાદ હૈદરાબાદ અને રાયપુરમાં પણ આ સિસ્ટમ કાર્યાન્વિત કરાઈ છે. મહારાષ્ટ્રમાં પહેલીવાર આવી સર્જરી થઈ છે.
આ રોબોટિક સર્જરી વાસ્તવમાં ત્રણ અલગ અલગ સિસ્ટમની સંકુલ રચના છે. જેમાં પાંચ લીન રોબોટિક આર્મ્સ, એક ઈમર્સિવ થ્રીડી એચડી હેડસેટ છે, જે સર્જનોને ઓપ્ટિક્સ પહોંચાડે છે અને ચોકસાઈ તેમજ નિયંત્રણપૂર્વક સર્જનક્રિયા થઈ શકે તે માટે એક વિઝનકાર્ટ પણ આ રોબોમાં છે, જે સર્જિકલ ટીમને થ્રીડી ફોરકે (૪કે) ઈમેજિંગ પ્રદાન કરે છે.
તબીબોના જણાવ્યાનુસાર, આ રોબોટિક સિસ્ટમનો ઉપયોગ સામાન્ય સર્જરી, કાર્ડિયો-થોરાસિક, યુરોલોજી, ગાયનેકોલોજી અને અન્ય ઘણી જટિલ સર્જિકલ પ્રક્રિયાઓ સહિત અનેક જીવનરક્ષક ઓપરેશન માટે થઈ શકે છે. પુણેમાં આ સિસ્ટમે ં કોલન કાર્સિનોમાથી પીડિત એક દર્દીને રોબોટિક રાઈટ એક્સ્ટેન્ડેડ હેમિકોલેક્ટોમી પ્રક્રિયાની સર્જરી પાર પાડી હતી. આ રોબોટિક પદ્ધતિથી થતી સારવારમાં ઓછાં ચીરા સાથે નાના સંસાધનોના ઉપયોગથી સર્જરી થઈ શકે છે. પરંપરાગત લેપ્રોસ્કોપિક અથવા ઓપન સર્જરી કરતાં ચોકસાઈ અને સ્થિતિસ્થાપકતા પણ સારવાર દરમ્યાન મળે છે અને ખૂબ જ જલ્દી દર્દી પોતાની મૂળ દિનચર્યા શરુ કરી શકે છે.