મુંબઈમાં નવા કાયદા હેઠળ સૌથી પહેલી એફઆઈઆર છેતરપિંડી કેસમાં દાખલ
ભારતીય ન્યાય સંહિતા કલમ 318(4)નો ગુનો ડીબી માર્ગ પોલીસ મથકે નોંધાયો
રૃ.5 લાખની લોન માટે ઓનલાઈન સર્ચ કરવા જતા હજારો રૃપિયા ગુમાવ્યાની ફરિયાદ રાતે પોણા વાગે દાખલ થઈ
મુંબઈ : મુંબઈ પોલીસે પહેલી જુલાઈથી તમામ પોલીસ સ્ટેશનોમાં બ્રિટીશ સમયના જુના કાયદાઓના સ્થાને નવા કાયદાનો અમલ શરૃ કરી દીધો છે. નવા કાયદા હેઠળ ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર તથા અન્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ એનસી નોંધવામાં આવી છે. ગિરગામમાં રૃ.પાંચ લાખની લોન માટે ઈન્ટરનેટ પર સર્ચ કરવા જતા રોડ સાઈડ ફૂડ સ્ટોલ વિક્રેતાએ અંદાજે રૃ.૭૩ હજાર ગુમાવ્યા હતા. રવિવારની મધરાતે બાર વાગ્યા પછી નવા કાયદાનો અમલ શરુ થયો ત્યારબાદ રાતે પોણા વાગે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગરગામના રહેવાસી દિલીપ સિંહ (ઉં.વ.૩૬) ગત ૨૫ જૂનથી ૧ જુલાઈ વચ્ચે છેતરપિંડીનો ભોગ બન્યો હતો. તેની પાસેથી લોન પ્રોસેસિંગ ફી તરીકે પૈસા પડાવવામાં આવ્યા હતા.
આ કેસ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (બીએનએચ) ૨૦૨૩ કલમ ૩૧૮ (૪) (છેતરપિંડી), ૩૧૯ (૨) અને આઈટી એક્ટની કલમ ૬૬ (સી), ૬૬ (ડી) હેઠળ અજાણી વ્યક્તિ સામે નોંધવામાં આવ્યો હતો.
ગત પચ્ચીસમી જૂનના ફેસબુક પર મળેલી લિંકના આધારે સિંહે અરજી કરી હતી. બીજા દિવસે તેને અજાણી વ્યક્તિએ ફોન કરીને ફાઈનાન્સ કંપનીમાંથી વાત કરતો હોવાનું કહ્યું હતું. તેણે સિંહને રૃ.પાંચ લાખની લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.
સિંહે એફઆઈઆરમાં માહિતી આપી હતી કે 'આરોપીએ લોન માટે રજિસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જિસ, જીએસટીના બહાને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.
ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'ફોન કરનારા આરોપીના ખાતામાં રૃ.૭૩,૧૧૬ ટ્રાન્સફર કરવા જતા પાંચ લાખની લોનની રકમ ન મળતા સિંહે પૂછપરછ કરી હતી. ત્યારે સાયબર ઠગે વધુ રૃ.૩૦ હજારની માંગણી કરતા સિંહને શંકા ગઈ હતી.
જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (કાયદા અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ પુષ્ટિ કરી કે મુંબઈ પોલીસે નવા કાયદા હેઠળ કેસ નોંધવાનું શરૃ કર્યું છે.
ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં પ્રથમ એફઆઈઆર તથા એરપોર્ટ, સહાર, વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં ત્રણ એનસી નોંધવામાં આવી છે.
એરપોર્ટ પોલીસે બીએનએસ કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧ (૧), ૩ (૫) હેઠળ ગુનો નોંધ્યો છે. સહાર પોલીસ સ્ટેશનમાં બીએનએસ ૧૧૫ (૨), ૩૫૩ (બી), ૩૨૩, ૫૦૪ વિલેપાર્લે પોલીસે બીએનએસ ૩૫૨, ૩૫૧ (૨), ૫૦૪, ૫૦૬ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ આદરી છે.