મુંબઈમાં પ્રદૂષણ નિયમોના ભંગ માટે બિલ્ડર સામે પહેલીવાર એફઆઈઆર
પાલિકાએ સ્ટોપવર્ક નોટિસ આપી હોવા છતાં કામ ચાલુ રાખ્યું
મહાપાલિકાની ફરિયાદના આધારે સાંતાક્રુઝ પોલીસ મથકે મુંબઈનો આવો પહેલો કેસ નોંધાયો
મુંબઇ : મુંબઈમાં વાયુ પ્રદૂષણ સામે પહેલી એફઆઈઆર થઈ છે. મહાપાલિકાની સ્ટોપ વર્ક નોટિસ છતાં કામ ચાલુ રાખનારા વિલેપાર્લેના બિલ્ડર ભારત રિયલ્ટી વેન્ચર્સ સામે પાલિકાએ સાંતાક્રૂઝ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પાલિકાએ ૮ નવેમ્બરના રોજ સેન્ટ બાપ્ટિસ્ટા રોડ ખાતે ચાલી રહેલા એક બાંધકામ સંબંધે ભારત રિયલ્ટી વેન્ચર્સ પ્રા.લી.ને વાયુ પ્રદૂષણ ઘટાડવાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા માટે સ્ટોપવર્ક નોટિસ જારી કરી હતી. આમ છતાં રવિવારે સાંજે અહીં કામ ચાલું જ હતું. બિલ્ડરે કામ બંધ ન કર્યું હોવાથી પાલિકાની ફરિયાદને આધારે સોમવારે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. આ સ્થળે બાંધકામ સાઇટ પર ચારેય બાજુ પર નિયમાનુસાર પચ્ચીસ ફૂટ ઉંચી ધાતુની શીટ્સ નાંખ્યા વગર કામ ચાલું રાખવામાં આવ્યું હોવાનું જણાયું હતું. તદુપરાંત સ્થળ પર બાંધકામ સામગ્રી લાવતા વાહનોના ટાયર સાફ કરવામાં ન આવતા હોવાથી જાહેર માર્ગ પર ધૂળ ફેલાઇ હતી.
મનાઇ હુકમ બાદ પણ કામ ચાલું રાખવા માટે આઇપીસીની કલમ ૨૯૧ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કલમ હેઠળ કેદ અને દંડની સજા અથવા બન્નેની જોગવાઇ છે. દરમિયાન ભારત રિયલ્ટી વેન્ચર્સ પ્રા.લી.ના એમ.ડી. ધવલ બારોટે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે જેવી અમને સ્ટોપ વર્ક નોટિસ મળી કે તરત જ અમે કામ બંધ કરી દીધું હતું. પાલિકાને તેઓ કામ કરી રહ્યા હોવાનું દેખાડવા અમૂક કેસ નોંધ્યા હોવાનું દર્શાવવું પડતું હોય છે. આ વાતનો અમે ભોગ બન્યા અને પાલિકાએ રેન્ડમલી કેટલીક સાઇટ પર કાર્યવાહી કરી તેમા અમારો સમાવેશ કરાયો છે. પાલિકાએ ઉલ્લંઘન થતું હોવાનું સાબિત કરવા કેટલીક જૂની તસવીરોનો ઉપયોગ કયા હોવાનો તેમણે દાવો કર્યો હતો.