કોંકણ આફૂસની સૌપ્રથમ પેટી એપીએમસી માર્કેટમાં દાખલ
માર્ચ સુધીમાં કેરીની સારી આવક થશે
પહેલા ફાલની ૪ થી ૬ ડઝનની એક પેટીની માર્કેટમાં ૧૦ થી ૧૫ હજાર રુપિયા કિંમત
મુંબઈ - હજી તો જાન્યુઆરી મહિનો ગયો પણ નથી અને ઉનાળાની અસર પૂરતી શરુ થઈ નથી ત્યાં મુંબઈની માર્કેટમાં કોંકણની આફૂસ કેરી દાખલ થઈ ચૂકી છે. જાન્યુઆરી મહિનામાં જ પહેલવહેલી આફૂસની પેટી દાખલ થતાં તેની કિંમત તરફ સૌ કેરીના સ્વાદરસિયાઓનું ધ્યાન ખેંચાયું છે.
નવી મુંબઈ સ્થિત એપીએમસી ફળ માર્કેટમાં આ વર્ષની સીઝનની આફૂસ કેરીની પહેલી પેટી દાખલ થઈ છે. કોંકણના કેરી ઉત્પાદક ખેડૂતો પાસેથી પ્રથમ તબક્કે કેરીની ૨૪ પેટીઓ એપીએમસીમાં દાખલ થઈ છે. જેની વિધિવત્ પૂજા પણ કરવામાં આવી હતી. કેરીની એક પેટીમાં ૪ થી ૬ ડઝન કેરી હોય એક પેટીની કિંમત ૧૦ થી ૧૫ હજારની બોલાઈ રહી છે. માર્ચ મહિના સુધીમાં કેરીની સારી એવી આવક માર્કેટમાં થશે એવી વેપારીઓને આશા છે.
આગામી સમયમાં કેરીના ભાવમાં ચોક્કસ વધઘટ થશે. છતાં અત્યારનો ભાવ જોતાં અનેક લોકોને આશ્ચર્ય થયું છે. પરંતુ પહેલા ફાલની કેરીનો ભાવ કાયમ વધુ જ હોય છે. ગ્લોબલ માર્કેટમાં આ કેરીને શો ભાવ મળશે, તે તરફ હવે લોકોની નજર રહી છે. કારણ દરવર્ષે મોટી સંખ્યામાં મુંબઈ, મહારાષ્ટ્રથી આફૂસ કેરીની નિકાસ વિવિધ દેશોમાં કરવામાં આવે છે. જેની સારી એવી માગણી હોય છે અને તેનું યોગ્ય વળતર પણ વેપારીઓ મેળવે છે.