સલમાનને માત્ર ડરાવવા માટે ફાયરિંગ કર્યું,લોરેન્સ બિશ્નોઈને કોઈ લેવાદેવા નથી
સલમાન ફાયરિંગ કેસમાં શૂટર વિકી ગુપ્તાની જામીન અરજીમાં દલીલ
પોતે દેવાંદાર હોવાથી પૈસા મેળવવા આ અપરાધ કર્યો હતો : બિશ્નોઈની વિચારધારાથી પ્રભાવિત થયો હતા
મુંબઇ : ૧૪ એપ્રિલના રોજ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ કેસના એક આરોપી વિકી ગુપ્તાએ સોમવારે સ્પેશિયલ મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ) કોર્ટમાં દાખલ કરેલ જામીન અરજીમાં જણાવ્યું હતું કે ફાયરિંગ કરવા પાછળનો ઇરાદો કોઇને ઈજા પહોંચાડવાનો ન હતો.
સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર ગુપ્તા અને સાગરકુમાર પાલ રાજસ્થાનમાં બિશ્નોઇ સમાજ દ્વારા પૂજવામાં આવતા કાળીયારની ૨૬ વર્ષ પહેલા હત્યા કર્યા પછી પણ ખાને કોઇ માફી ન માગી હોવાથી તેને ધમકાવવા માગતો હોવાનું જણાવ્યું હતું. આ સિવાય ગુપ્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે તે દેવાદાર બની ગયો હોવાથી તેના 'દેવા'એ તેને કથિત અપરાધ કરવા પ્રેર્યો હતો અને તે જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ની વિચારધારાથી પ્રભાવિત થયો હતો.
ગુપ્તાએ એવું પણ જણાવ્યું હતું કે આ કેસમાં લોરેન્સ બિશ્નોઇનું નામ ખોટી રીતે લેવામાં આવ્યું છે અને મુંબઇ પોલીસના આરોપ મુજબ શૂટિંગમાં તેની કોઇ ભૂમિકા નથી. ગયા મહિને અહીંની એક કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં પોલીસે લોરેન્સ બિશ્નોઇ તેના ભાઇ અનમોલ બિશ્નોઇ અને ગેંગના મુખ્ય સભ્ય રોહિત ગોદારાને આ કેસમાં 'વોન્ટેડ આરોપી' તરીકે દર્શાવ્યા છે.
પોલીસના જણાવ્યાનુસાર ૧૪ એપ્રિલે મોટરસાઇકલ પર આવેલા ગુપ્તા અને પાલે સવારે બાંદ્રામાં ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કર્યો અને ભાગી ગયા હતા. આ ઘટના બાદ પોલીસે બંનેની ગુજરાતથી ધરપકડ કરી હતી. પોલીસે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટના પાછળ લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો હાથ છે. સોમવારે ગુપ્તાએ મકોકા ક્રાઇમ એકટ હેઠળ રચાયેલી વિશેષ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. વિશેષ ન્યાયધીશ બીડી શેબકેએ પ્રોસિક્યુશન પાસેથી જવાબ માગ્યો હતો અને દલીલો માટે મામલાની સુનાવણી ૧૩ ઓગસ્ટ પર મુલત્વી રાખી હતી.
અરજદાર (ગુપ્તા) વાસીવમાં ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા થકી લોરેન્સ બિશ્નોઇના પાત્રથી પ્રભાવિત થયો હતો જે શહીદ ભગતસિંહનો પ્રખર અનુયાયી છે. તેવું જામીન અરજીમાં જણાવવામાં આવ્યું હતું. ગુપ્તાએ જણાવ્યું હતું કે તે ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને બિહારના એક દૂરના ગામમાં રહે છે. તે દેવામાં ડૂબી ગયો હતો અને તેના કારણે તેને આવો ગુનો કરવાની ફરજ પડી હતી.
અરજી મુજબ ગોળીબારનો મુખ્ય ઉદ્દેશ ૧૯૯૮માં સલમાને કાળીયારનો શિકાર (હત્યા) કરીને આ કથિત કૃત્ય માટે માફી ન માગી હોવાથી તેને ફક્ત ધમકાવવાનો જ હતો. રાજસ્થાનની એક કોર્ટે કાળિયારના શિકારના કેસમાં ખાનને દોષિત ઠેરવ્યો હતો પણ પછી હાઇકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. ગુપ્તાએ વિશેષ કોર્ટમાં દાવો કર્યો હતો કે ફાયરિંગ પ્રકરણમાં તેને લોરેન્સ બિશ્નોઇનો કોઇ ફોન આવ્યો ન હતો કે ન તો કોઇ વચેટિયાએ તેને ગેન્ગસ્ટર સાથે વાત કરવા ઉશ્કેર્યો હતો.
આ ઉપરાંત અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે પ્રોસિક્યુશન લોરેન્સ બિશ્નોઇને અમૂક અકળ કારણોસર આ કેસમાં ફસાવવા માગે છે. ત્રણ મહિનાથી વધુ સમય જેલમાં રહ્યા બાદ ગુપ્તાએ જામીનની માગણી કરીને દલીલ કરી હતી કે તેનાથી જાહેર જનતાની સુરક્ષા સામે કોઇ ખતરો નથી.