જળગાંવ કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ સાથે આગઃ 1નું મોત, 20 ઘાયલ

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
જળગાંવ કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ સાથે આગઃ 1નું મોત, 20 ઘાયલ 1 - image


પ્લાન્ટમાં વધુ કામદારોની શોધખોળ, મૃત્યુઆંક વધવાની દહેશત

કંપનીમાં સ્ટોર કરાયેલા કેમિકલના ડ્રમ્સના શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી જળગાંવ શહેર સતત ગાજતું રહ્યું

મુંબઇ :  જળગાંવ એમઆઇડીસીમાં આવેલ એક કેમિકલ કંપનીમાં આજે સવારે વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા એક કામદારનું મોત થયું હતું જ્યારે ૨૦થી વધુ કામદારો ગંભીર ઇજા પામ્યા હતા.આ ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાસેની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પાંચ જણની હાલત અતિ નાજુક બતાવવામાં આવી રહી છે. 

આ ઘટના આજે સવારે નવ વાગ્યે બની હતી. આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર જળગાવ એમઆઇડીસીમાં આવેલ મોરચા કેમિકલ કંપનીમાં આજે સવારે આઠ વાગ્યે પ્રચંડ વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે કંપનીમાં ઘણા કામદારો હાજર હતા. જો કે બ્લાસ્ટ અને ત્યારબાદ આગ લાગતા ઘણા કામદારો બહાર નીકળી આવવામાં સફળ રહ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ જળગાવ સહિત આસપાસના શહેરોના ફાયરબ્રિગેડના વાહનો આગ બુઝાવવા ધસી આવ્યા હતા. કેમિકલ કંપનીમાં કેમિકલના ડ્રમમાં સતત વિસ્ફોટ થતા રહેતા હોવાથી લોકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. સતત વિસ્ફોટને કારણે કંપની પરિસરમાંથી આગના કાળા ડિંબાગ વાદળા દૂર-દૂરથી નજરે પડતા હતા.

ફાયરબ્રિગેડના જવાનોએ આગની જ્વાળાઓની અસર આસપાસની અન્ય કંપનીઓને ન થાત તે માટે સાવચેતીના પગલા હાથ ધર્યા હતા. જળગાવ સહિત અન્ય શહેરોના મળી ફાયરબ્રિગેડના ૩૫થી ૪૦ વાહનો, ટેન્કરો આગ બુઝાવવાના કામમાં લાગી ગયા હતા. જો કે સતત થતા વિસ્ફોટને લીધે આગને કાબૂમાં લેવામાં તકલીફ થઇ રહી હતી. સમગ્ર કંપની પરિસરમાં રસાયણ યુક્ત ધુમાડો ફેલાઇ જવાથી લોકેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ભીષણ આગમાં સપડાઇને એક કામદારનું મોત થયું હતું. જ્યારે લગભગ ૨૦ જેટલા કામદારો ગંભીર ઘવાયા હતા. આ ઘટના બાદ ઘાયલોને પાસેની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમા પાંચ જણની હાલત અતિગંભીર હોવાનું કહેવાય છે.

આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે ફેક્ટરીમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી આગની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગની તીવ્રતા અને ભીષણતા જોઇ જળગાવ મહાનગર પાલિકાની સાથે જ ભુસાવળ, જામનેર જૈન હિલ્સ ખાતેથી અન્ય બંબાઓ બચાવ અને રાહત કામ માટે ધસી આવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે ભીષણ આગમાં છ કર્મચારીઓ ૭૦થી ૯૦ ટકા સુધી દાઝી ગયા છે તેથી મૃતકોનો આંકડો વધી શકે છે તેવો ભય અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.



Google NewsGoogle News