વાશીની ખાનગી હોસ્પિટલને ફાયર સેફ્ટીની નોટિસ
- મંજૂરી વિના સ્ટ્ર્કચરલ ફેરફારો કરાયા
- એસ્કેપ રુટ સહિતની બાબતોમાં ફેરફાર કરતાં નવી મુંબઈ મહાપાલિકાની નોટિસ
મુંબઈ : વાશીની એક ખાનગી હૉસ્પિટલે માળખામાં સુધારા કર્યા બાદ તે ફાયર સેફ્ટિના નિયમો પર ખરી નહીં ઊતરતાં હૉસ્પિટલને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)ની નોટીસ મળી છે.
એનએમએમસીના અગ્નિશમન વિભાગે હાલમાં જ મેટરનિટી એન્ડ પેડિયા ટ્રિક માટેની ક્લાઉડ નાઈન હૉસ્પિટલને માળખાકીય સુધારો કરવા માટે ટાઉન પ્લાનિંગની લીધેલી અનુમતિ જમા કરવા જણાવાયું છે. ૩૧ જાન્યુઆરીએ અપાયેલી એક નોટિસમાં સંબંધિત દસ્તાવેજો રજૂ ન કરી શકતાં ફાયર વિભાગની એનઓસી રદ્દ કરવા પણ જણાવાયું હતું.
સાઈટ નિરીક્ષણ દરમ્યાન એવું જણાયું હતું કે, હૉસ્પિટલ દ્વારા ઉપયોગમાં લેવાતાં પરિસરમાં આંતરિક રીતે બહુવિધ ફેરફારો કરવામાં આવ્યા હતા, જે મંજૂર ફ્લોર પ્લાન મૂજબ મેળ ખાતા નહોતાં. ફેરફારો મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર એક્ટ ૨૦૦૬ અને ૨૦૦૯ ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાયું હતું. આથી માળખાકીય ફેરફારો હાથ ધરવા માટે ટાઉન પ્લાનિંગવિભાગની પરવાનગી માગતી નોટીસ જારી કરવામાં આવી હતી, એવું ફાયર ઓફિસર પુરુષોત્તમ જાધવે જણાવ્યું હતું.
ફાયર વિભાગે નોંધ્યું છે કે, હૉસ્પિટલના માળખામાં કુલ છ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યાં છે. કથિત ઉલ્લંઘનોની વિગત પહેલી ફેબુ્રઆરીએ અતિક્રમણ અને સ્વાસ્થ્ય એમ બંને વિભાગોને સૂચિત કરાઈ હતી. એવું જણાયું હતું કે, બીજા માળે ફાયર કોરિડોર મંજૂર ફ્લોર પ્લાન મૂજબનો ન હતો.ફાયર કોરિડોરની બાજુમાં આવેલી બાલ્કનીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો અને આંતરિક માળખાકીય ફેરફારો કરાયા હતાં. જેને માટે ટાઉન પ્લાનિંગ વિભાગની પરવાનગીની જરુર હોય છે. ફાયર સેફ્ટિના સંદર્ભે બહાર નીકળવાના દરવાજા પણ કાર્યરત ન હતાં અને રસ્તાની સામેની તરફની દરેક પેશન્ટ રુમને અડીને આવેલી બાલ્કનીઓ પણ મૂળ યોજના પ્રમાણે ન હતી.