અંધેરીની ઈમારતમાં આગઃ મહિલાનું મોત, નવજાત બાળક સહિત 6 જખમી
ફાયર ફાઇટર્સને ધુમાડાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી
મધ્યરાત્રિએ ગાઢ નિંદરમાં હતા ત્યારે અચાનક આગને લીધે ધૂમાડો ફેલાઈ જવાથી ગૂંગળામણ થઈ
મુંબઇ - અંધેરીના લોખંડવાલામાં ઇમારતમાં આગ ફાટી નીકળતા ૩૪ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ૧૦ દિવસ ત્રણ વર્ષીય બાળક સહિત છ જણને ગુંગળામણ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધુમાડાને લીધે અગ્નિશામક દળના જવાનોએ બચાવ કામગીરીમાં મુશ્કેલી થઇ હતી. ફાયર ફાઇટર્સ દ્વારા લગભગ ત્રણ કલાકે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ ચોક્કસ કેવી રીતે લાગી એની તપાસ ચાલી રહી છે.
અંધેરી (પશ્ચિમ) સ્થિત લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આટ માળની બ્રોકલેન્ડ બિલ્ડિંગ છે એના પહેલા માળે આવેલા ફલેટ નં.૧૦૪માં મધ્ય રાત્રિએ ૨.૩૯ કલાકે અચાનક આગ લાગી હતી. તે સમયે રહેવાસીઓ સૂઇ રહ્યા હતા. આથી કોઇને આગની ખબર પડી નહોતી. થોડી જ વારમાં આગે ભયંકર સ્વરૃપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઇ ગયા હતા. પરિવારના સભ્યો જાગી ગયા હતા.આગ લાગી હોવાની જાણ થતા બિલ્ડિંગના રહેવાસીઓએ ચીસો પાડી પોતાના ઘરમાંથી બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ઘણા લોકો સુરક્ષિત પણે બહાર નીકળી ગયા હતા. જ્યારે આગ અને ધુમાડાને કારણે અમૂક રહેવાસી બહાર આવી શક્યા નહોતા.
બિલ્ડિંગમાં અપર્ણા ગુપ્તા (ઉ.વ.૪૧) દયા ગુપ્તા (ઉ.વ.૨૧), ત્રણ વર્ષીય રિહાન ગુપ્તા, ૧૦ દિવસના બાળક પ્રધ્યુમના, ૩૪ વર્ષીય અભિનેતા કાર્તિક સંજનવાલિયા, કાર્તિક સંજયવાલિયા (ઉ.વ.૪૦), પોલમ ગુપ્તા (ઉ.વ.૪૦) આગમાં ફસાયા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને રાહત કાર્ય શરૃ કર્યું હતું.
ધુમાડાને લીધે ફાયર ફાઇટર્સને બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેમણે ભારે જહેમત બાદ ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તેમને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તુકલીફ પડી રહી હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ઘાયલોને કોકિલાબેન, કૂપર, ટ્રોયા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ અભિના સંજય વાલિયાનું મૃત્યુ થયું હતું. ઇજાગ્રસ્ત પોલમ ગુપ્તાને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
આગમાં ઇલેક્ટ્રિક્સ સિસ્ટમ, ઇલેક્ટ્રિક વાયર, એસી, ફિર્નિચર, કપડા, ઘર વપરાશની વસ્તુઓ સળગી ગઇ હતી. ફાયર બ્રિગેડે આજે સવારે લગભર ૫.૩૦ વાગ્યે આગ પર નિયંત્રણ મેળવી લીધુ હતું. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી.