ગાયક શાનની બિલ્ડિંગમાં આગ, પરિવાર સાથે હાયર ફલોર પર જતો રહેતાં બચાવ
9 રહીશો આગમાં ફસાયા, 80 વર્ષીય વૃદ્ધાની હાલત બગડતાં હોસ્પિટલમાં
7મા માળે આગ લાગ્યા બાદ, શાન 15મા માળે જતો રહ્યો અને ફાયર બ્રિગેડ આવે તેની રાહ જોઈ : 2 કલાકે આગ કાબુમાં આવી
મુંબઈ : બાંદ્રા પશ્ચિમમાં પંદર માળની હાઈરાઈઝ ઈમારતમાં સોમવારે મધ્યરાત્રીએ સાતમાં માળે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ જ હાઈરાઈઝ ઈમારતમાં અગિયારમાં માળે બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર શાનનો પણ ફલેટ છે. આ આગની ઘટનામાં ૮૦ વર્ષીય વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આગમાં ફસાયેલા નવ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઘટના બાંદરા પશ્ચિમમાં સ્થિત ફોર્ચ્યુન એન્કલેવ હાઈરાઈઝ ઈમારતમાં સોમવારે મધ્યરાત્રીએ ૧.૪૫ વાગ્યાની આસપાસ બન ીહતી. જેમાં સાતમાં માળે એક ફલેટમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ જ ઈમારતમાં અગિયારમાં માળે બોલિવૂડના પ્રખ્યાત સિંગર શાનનો ફલેટ હતો.આગની ઘટના સમય શાન તેના પરિવાર સાથે ઘરમાં જ હતો. આગની જાણ થતા જ શાનનો આખો પરિવાર પંદરમાં માળે જઈને ફાયર વિભાગની રાહમાં બેસી રહ્યો હતોં. જો કે, આ આગ સાતમાં માળા સુધી જ સીમીત રહી હતી. જો કે, આગની ઘટના બનતા જ આખી ઈમારતમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના ૧૦ બંબાઓ અને પોલીસની ટીમ તથા અન્ય સંબંધીત એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ બાદ બચાવકામગીરી કરતા ફાયર વિભાગની ટીમે આખી ઈમારત ખાલી કરાવી હતી. વધુમાં અંદર કોઈ રહી નથી ગયુંને તે અંગે તપાસ કરવા માટે સીડી તપાસતાં ઉપર જતા સીડી પાસે ૮૦ વર્ષીય સીરા પર્યાની બેભાન સ્થિતિમા ંમળી આવ્યા હતા.
આ વૃદ્ધાને શ્વાસમાં લેવામાં તકલીફ પડતી હતી. તેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો ફાયર વિભાગની ટીમે આગની ઘટનામાં ઈમારતમાં ફસાયેલા આઠ મહિલા સહિત નવને બચાવી લીધા હતા.
બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજું જાણી શકાયું નથી.આ આગમાં સાતમાં માળે સ્થિત ફલેટમાં વ્યાપક નુકસાન થયું હતું.