પુણેમાં ફોટો સ્ટુડિયોમાં આગ, સાતને ગૂંગળામણની અસર
- સાતેયને ધૂમાડાની અસરથી હોસ્પિટલમાં દાખલ કરાયા
- ગ્રાઉન્ડ ફલોરની આગ ઉપરના ફલોર્સ સુધી ફેલાઈ, ફલેટ્સમાં રહેતા લોકો ફસાયા
મુંબઈ : પુણેમાં બાવધન વિસ્તારમાં આજે સાંજે એક ઈમારતમાં ફોટો સ્ટુડિયોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગના ધૂમાડા વચ્ચે ઈમારતમાં સાત લોકો ફસાય જતા તેમના શ્વાસ રુંધાતા સાતેયને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, પુણેના બાવધન ના શિંદેનગર ખાતે સાંજે ૬.૫૫ વાગ્યાની આસપાસ પાંચ માળની ઈમારતમાં ગ્રાઉન્ડ ફલોર પર સ્થિત ફોટો સ્ટુડિયોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા.
આ આગની ઘટના સમયે ઈમારતના પહેલા માળે કેટલાક લોકો ફસાય ગયા હતા. જેમાં ધૂમાડાના કારણે તેમના શ્વાસ રુંધાયા હતા. ધુમાડો વધતા આગ ઉપરના માળે ત્રણ ફલેટો સુધી ફેલાઈ હતી.
ઘટનાની જાણ થતા જ કોથરુડ, વરજે, પાશાન, ઔંધ, એરંડવાના પાંચ ફાયર બંબાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી કરતા ભીષણ આગમાંથી ઈમારતમાં ફસાયેલા સાત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે તમામ ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો હતો અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આ આગની ઘટનામાં સ્ટુડિયોમાં રાખેલ ફલેક્સ, ફોટો ફ્રેમ અને અન્ય સામ્રગી સહિત સંપુર્ણ સ્ટુડિયો બળીને ખાખ થઈ ગયો હતો. તો ઉપરના ત્રણ ફલેટોમાં પણ નુકસાન થયું હતું.
જો કે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત ભિવંડીમાં આજે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ પ્લાસ્ટિકની સામ્રગી અને કાર્ડબોર્ડના ટુકાડાઓથી ભરેલા ગોદામમાં આગ ફાટી નીકળી હતી. જો કે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતા બે ફાયર બંબાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.