વડેટ્ટીવાર, બાવનકુલે અને સંજય રાઉત સામે એફઆઈઆર
ચૂંટણી પ્રચારમાં બેફામ નિવેદનો કરવા બદલ કાર્યવાહી
વડેટ્ટીવારે ઉજ્જવલ નિકમને દેશદ્રોહી ગણાવ્યા હતા, બાવનકૂલેએ કોંગ્રેસમાં વિજયથી પાકિસ્તાનમાં ઉજવણીની જાહેરાત કરી, રાઉતનાં પીએમ વિરુદ્ધ ઉચ્ચારણો
મુંબઈ : લોકસભાની ચૂંટણીના પ્રચારના ઉન્માદ વચ્ચે કોગ્રેસી નેતા વિજય વડેટ્ટીવાર, મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે તેમજ ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન માટે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. તેમની સામે દાખલ કરાયેલ એફઆઈઆરમાં પ્રચાર દરમ્યાન વિવાદાસ્પદ નિવેદનો કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વડેટ્ટીવાર પર ઉજ્જવલ નિકમને દેશદ્રોહી ગણવાનો, ભાજપના બાવનકુલેએ કોંગ્રેસના વિજયથી પાકિસ્તાનમાં ઉજવણી થશે એવી જાહેરાત છપાવી હોવાનો અને સંજય રાઉતે વડા પ્રધાનની સરખામણી ઔરંગઝેબ સાથે કરી હોવાનો આક્ષેપ મુકાયો હતો.
કોંગ્રેસના નેતા તેમજ વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે એવા વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા કે મુંબઈના ૨૬-૧૧ના આતંકી હુમલા દરમ્યાન તત્કાલીન એટીએસ હેમંત કરકરે આતંકી કસાબની ગોળીથી નહિ પણ આરએસએસ સાથે સંકળાયેલા પોલીસની ગોળીથી શહિદ થયા હતા. તેમણે આ હકીકત છુપાવવા માટે ભાજપના ઉમેદવાર અને તત્કાલીન વિશેષ પ્રોસીક્યુટર ઉજ્જવલ નિકમને દેશદ્રોહી ગણાવ્યા હતા.
બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત બાવનકુલે સામે વિપક્ષી નેતાઓ વિજયી થશે તો પડોશી દેશોમાં ઉજવણી થશે એવા પ્રકારની જાહેરાત થાણેમાં પ્રસિદ્ધ કરવાનો આરોપ મુકાયો છે.
વધુમાં ભાજપે પણ શિવશેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉત સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોતની ધમકી આપતા અને કોમી તંગદીલી સર્જી શકે તેવા નિવેદનો કરવાનો આરોપ મુકતી એફઆઈઆર નોંધાવી હતી તેમજ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. રાઉતે અહમદનગરની એક રેલી વડા પ્રધાન અને ઔરંગઝેબની સરખામણી કરી હતી. રાઉતે તેના નિવેદનમાં વડા પ્રધાનને ઔરંગઝેબની જેમ મહારાષ્ટ્રની ધરતીમાં દફન કરી દેવામાં આવશે તેવા પ્રકારનું નિવેદન કરતા ભાજપે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિવિધ ઉમેદવારો સામે ૫૪ ફરિયાદો નોંધાતા ચૂંટણી વાતાવરણ તંગ બન્યું છે. એમાંથી ૨૪ ફરિયાદો સામે તપાસ કર્યા પછી નિર્ણય લેવાયા છે. પવાર વિ. પવાર વચ્ચે જ્યાં તીવ્ર હરિફાઈ છે તેવા બારામતી જેવા મહત્વના મતવિસ્તારમાં રોકડ વિતરણની ફરિયાદો બદલ ચાર એફઆઈઆર નોંધવામાં આવી છે.