બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર સહિત ત્રણ અધિકારી સામે લાંચ કેસમાં એફઆઇઆર નોંધાઇ
મુંબઇ પોલીસ માટે શરમજનક ઘટના
પાંચ લાખની લાંચનો પહેલો હપ્તો ૨.૨૫ લાખ સ્વીકાર્યાની ફરિયાદ
મુંબઇ: મુંબઇ પોલીસ માટે બનેલી એક શરમજનક ઘટનામાં બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર સહિત કુલ ત્રણ અધિકારીઓ સામે પાંચ લાખ કૂપિયાના લાંચ કેસમાં ૨.૨૫ લાખ કૂપિયાની રકમ સ્વીકારવા બાબતે એફઆઇઆર નોંધાઇ છે.
એસીબીએ જે અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે તેમાં બોરીવલીના સિનિયર ઇન્સ્પેકટર સુધીર કાલેકર, પોલીસ ઇન્સ્પેકટર અરવિંદ ઘાગ અને મહિલા પીએસઆઇ સ્વપ્નાલી માંડેનો સમાવેશ થાય છે.
આ સંદર્ભે ફરિયાદી મહિલાએ પ્રથમ કોર્ટમાં અરજી કરી હતી ત્યાર બાદ કોર્ટે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવાનો નિર્દેશ કર્યો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ૩૧ વર્ષની ફરિયાદી મહિલાએ બોરિવલી પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરીયાઓ સામે ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણે સિનિયર ઇન્સ્પેકટર કાલેકર અને પીઆઇ અરવિંદ ઘાગ વતી મહિલા પીએસઆઇ સ્વપ્નાલી માંડેએ સ્ત્રીધન મેળવી આપવા અને આરોપીઓ સામે કડક કલમ-પગલા લેવા પાંચ લાખ કૂપિયાની લાંચની માગણી કરી હતી. અંતે પીએસઆઇ સ્વપ્નાલી માંડેએ કૂા.૨.૨૫ લાખનો લાંચનો હપ્તો સ્વીકાર્યો હતો. આ મુજબની ફરિયાદ સાથે ફરિયાદી મહિલાએ કોર્ટમાં ધા નાંખી ત્રણેય સામે ગુનો નોંધવાની માગણી કરી હતી. ત્યાર બાદ કોર્ટ આ ત્રણેય અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપતા ઉક્ત ત્રણેય અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ ગુનો નોંધી આ પ્રકરણે આગળની કાર્યવાહી હાથ ધરી છે.