દિવ્યાંગ પ્રવાસીઓને પાસ માટે લાંચ લેતા રેલવે અધિકારી સામે એફઆઈઆર
સીબીઆઈએ પુણેના રેલવે અધિકારી સામે ગુનો નોંધ્યો
ખોવાયેલો પાસ રીઈસ્યુ કરી આપવા અધિકારી અઢીથી 5 હજાર રૃપિયા લાંચ લેતો હતો
મુંબઈ : પુણેમાં એક દિવ્યાંગ પ્રવાસીને રેલવે આઈડી કાર્ડ/ પાસ બનાવી આપવાને બદલે બે હજાર રૃપિયાની લાંચ માગનારા રેલવે અધિકારી સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ પુણેના દિવ્યાંગ પ્રવાસીએ ૧૭મી એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રવાસી વર્ષે ૨૦૧૮થી દિવ્યાંગોને અપાતા કન્સેશનની સુવિધા લે છે. તેના માટે આઈડી કાર્ડ/ પાસ બનાવવો પડે છે. પ્રવાસીનો પાસ ટ્રેનના પ્રવાસ દરમિયાન ખેંચાઈ જવાથી તેણે નવા પાસની અરજી માટે નવમી એપ્રિલના રોજ પુણે રેલવે સ્ટેશને સંબંધિત અધિકારી સુબ્રતોની મુલાકાત લીધી હતી.
દિવ્યાંગે પોતાની સમસ્યા કરી હતી ત્યારે સુબ્રતોએ નવો પાસ બનાવી આપવું શક્ય નથી. એવો જવાબ આપ્યો હતો. જોકે બાદમાં લાલચી અધિકારીએ બે હજાર રૃપિયાના બદલામાં પાસ બનાવી આપવાની ઓફર પ્રવાસી સમક્ષ મૂકી હતી. પ્રવાસીને લાંચ આપવી ન હતી તેથી તેણે અધિકારીની ફરિયાદ સીબીઆઈને કરી હતી.
દિવ્યાંગ પ્રવાસીએ કરેલી ફરિયાદની ચકાસણી ૧૮મી એપ્રિલના રોજ થઈ હતી. જેમાં ખુલાસો થયો હતો કે ફરિયાદી પોતાની સમસ્યા લઈને સુબ્રતો નામના અધિકારી પાસે ગયો હતો. અધિકારીએ બે હજાર રૃપિયાની માગણી કરીને નવો પાસ બનાવી આપવાની વાત કરી હતી, ત્યારે પ્રવાસીએ લાંચની રકમ ઓછી કરવાની વિનંતી કરી હતી. તે વખતે અધિકારીએ એમ કહ્યું હતું કે આવા કેસમાં તે ૫૦૦૦ રૃપિયા લે છે અને લઘુત્તમ ૨૫૦૦ રૃપિયા ચાર્જ કરે છે. જોકે હમણાં તેણે પહેલાંથી જ ઓછી રકમ માગી છે. ફરિયાદીએ ફરીવાર વિનંતી કર્યા બાદ અધિકારીએ, ૧૮૦૦ રૃપિયા આપવાનું કહ્યું હતું.
છેલ્લે સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ સાત હેઠળ લાંચ માગવા બદલ રેલવે અધિકારી સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.