ડ્રગ્સ જપ્તીના કેસમાં મમતા કુલકર્ણી સામેની એફઆઈઆર રદબાતલને પાત્રઃ હાઈ કોર્ટ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ડ્રગ્સ જપ્તીના કેસમાં મમતા કુલકર્ણી સામેની એફઆઈઆર રદબાતલને પાત્રઃ હાઈ કોર્ટ 1 - image


2016મા કેફીદ્રવ્યની જપ્તી સંબંધી કાવતરામાં સહભાગ હોવાનો એકટ્રેસ પર આરોપ

એફઆઈઆરમાં માત્ર આરોપો જ છે કોઈ પુરાવા ન હોવાની નોંધ

મુંબઈ :  ડ્રગ જપ્તીના કેસમાં અભિનેત્રી મમતા કુલકર્ણી સામેની એફઆઈઆર રદ કરવામાં આવશે એમ જણાવીને બોમ્બે હાઈ કોર્ટે પુરાવાનો અભાવ હોવાનું કારણ ટાક્યું હતું. કોર્ટે હજી વિસ્તૃત આદેશ આપ્યો નથી પણ કુલકર્ણીની કેસ રદ કરવાની અરજીને માન્ય કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

અતિ ચકચારી બનેલા ડ્રગ જપ્તીના કેસથી ૯૦ના દાયકાની અભિનેત્રીની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનો  કોર્ટ સમક્ષ દાવો કરાયો હતો અને પોતાને કૌભાંડમાં ફસાવાઈ હોવાનું વકિલ મારફત કુલકર્ણીએ જણાવ્યું હતું. 

ન્યા. ભારતી ડાંગરે અને ન્યા. મંજૂશા દેશપાંડેની બેન્ચે કુલકર્ણીની અરજી સાંભળીને નોંધ કરી હતી કે એફઆઈઆરમાં આરોપો સિવાય કેસને પુરવાર કરવા કોઈ પુરાવા નથી.

૧૨ એપ્રિલ ૨૦૧૬ના રોજ થાણે પોલીસે બે કાર આંતરી હતી જેમાં પ્રવાસીઓ પાસેથી ૨-૩ કિલોનું એફેડ્રીન (પાવડર) મળી આવ્યું હતું. નાર્કોટિક્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત પદાર્થ છે.

વાહનના ચાલકો મયૂર અને સાગરની ધરપકડ કરવામાં આવી હતી. જપ્તીની કિંમત રૃ. ૮૦ લાખ હતી અને બંને આરોપીઓ પાસે ફાર્મા કંપનીની ખોટી આઈડી હોવાનું જણાયું હતું. 

તપાસ દરમ્યાન ૧૦ની ધરપકડ થઈ હતી અને કુલકર્ણી સહિત અન્ય સાતને ફરાર દર્શાવાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અભિનેત્રીએ આરોપી વિકી ગોસ્વામી અને અન્યો સાથે જાન્યુઆર ૨૦૧૬માં કોન્યા ખાતેની હોટેલમાં એક મીટિંગમાં હાજરી આપી હતી. અન્ય આરોપી જૈનના નિવેદનમાંથી કુલકર્ણીની હાજરીની વાત સ્થાપિત થઈ હતી. જૈન પણ બેઠકમાં હાજર હતો.

મહારાષ્ટ્ર સ્થિત કંપનીથી એફેડ્રીન પાવડર કેન્યામાં મેથામ્ફેટામાઈનને પહોંચાડવાનું કથિત કાવતરું  હતું. આ દ્રવ્ય વિકી ગોસ્વામી અને ડો. અબ્દુલ્લા દ્વારા વૈશ્વિક સ્તરે વેચવામાં આવતું હતું. સરકારી પક્ષે દાવો કર્યો હતો કે તમામ આરોપીઓને ડ્રગ વેચાણમાંથી ગેરકાયદે લાભ થયો છે.

વકિલ માધવ થોરાત વતી કરાયેલી કુલકર્ણીની અરજીમાં દલીલ કરાઈ હતી કે પોતાની સામેના આરોપો માત્ર સહઆરોપીના નિવેદન પર આધારિત છે અને કોઈ પ્રકારના પુરાવા નથી.

થોરાતે દલીલ કરી હતી કે કાવતરામાં તેની સંડોવણીનો આરોપ હતો તો તો તેનો સહભાગ દર્શાવતા બેન્ક વ્યવહાર પણ હોવા જોઈએ જે નહોવાની સરકારી પક્ષને પણ જાણ છે. વધુમાં થોરાતે દલીલ કરી હતી કે કેટલાંક નિવેદનો પુરાવાને પાત્ર નથી અને કેટલીક વાતો અન્યોએ કહેલી  છે અને તે દખલપાત્ર નથી.



Google NewsGoogle News