લોઅરપરેલમાં પરવાનગી વિના બ્રીજનું ઉદ્ઘાટન કરવા બદલ આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
લોઅરપરેલમાં પરવાનગી વિના બ્રીજનું ઉદ્ઘાટન કરવા બદલ આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર 1 - image


પુલ પ્રકરણે શિવસેનાના નેતા મુશ્કેલીમાં

મુખ્યપ્રધાન એકનાથ શિંદે પાસે પુલના ઉદઘાટનનો સમય નથીઃ આદિત્યનો દાવો

મુંબઈ: શિવસેના (ઉધ્ધવ ઠાકરે) જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને અન્ય નેતા સામે મહાનગરપાલિકાની પરવાનગી વિના લોઅર પરેલના બ્રીજના એક ભાગનું ઉદ્ઘાટન કરવા બદલ મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો કે 'પુલનું બાંધકામ બે અઠવાડિયા પહેલાં પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ તેનો લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લો મૂકવામાં આવ્યો નહતો. મુખ્યપ્રધાન એકનાથ શિંદે પાસે પુલના ઉદ્ઘાટનનો સમય ન હોવાનું આદિત્યએ કહ્યું હતું.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કરાઈ હતી. એન.એમ. જોશી માર્ગ પોલીસે આ મામલે કલમ ૧૪૩, ૧૪૯, ૩૩૬, ૪૪૭ હેઠળ કેસ નોંધ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે 'લોઅરપરેલ સ્ટેશન નજીક ડિલાઈલ બ્રિજ પાસે ગુરુવારે રાતે ૯.૩૦ વાગ્યે વરલી વિધાનસભા મતદાર સંઘના ધારાસભ્ય આદિત્ય ઠાકરે, વિધાન પરિષદના સભ્ય સચિન આહિર, સુનિલ શિંદે, માજી મેયર કિશોરી પેડણેકર, સ્નેહલ આંબેકર અને ૧૫થી ૨૦ અજાણ્યા કાર્યકતા ગેરકાયદેસર રીતે જમા થયા હતા. તેમણે મહાનગરપાલિકાના કમિશનરની પરવાનગી સિવાય કામ અપૂર્ણ હોવા છતાં લોઅરપરેલ બ્રીજ પાસેના બેરિગેટ કાઢી નાખ્યા હતા. બ્રીજ પર ચાલીને ગયા હતા. તેમણે બ્રીજનો દક્ષિણ તરફનો ભાગ ગેરકાયદેસરપણે વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દીધો હતો.

આમ બ્રીજ પર વાહન વ્યવહાર ચાલુ થતા લોકોના જીવ સામે જોખમ ઉભું થઈ શકતું હતું. બ્રીજનું કામ ૧૦- ૧૫ દિવસ પહેલા પૂર્ણ થઈ ગયું હતું. ૧૦૦- ૧૨૦ મીટરનો રસ્તો લોકો માટે ખોલવામાં આવ્યો નહોતો. કેમકે મુખ્યપ્રધાન પાસે ઉદઘાટન કરવાનો સમય નહોતો. મુંબઈ માડે લડવા બદલ મારી અને મારા સહયોગીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અમે મુંબઈ અન ેમહારાષ્ટ્રના મહત્ત્વના મુદ્દા માટે લડી રહ્યા છીએ. આ માટે મારા દાદા દિવંગત બાળ ઠાકરેને ગર્વ થયો હોત, એમ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.

રાજ્યપાલ રમેશ બૈસે મુખ્યપ્રધાનને બોલાવવા જોઈએ અને તેમને શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવું જોઈએ, એમ પણ આદિત્યએ વધુમાં જણાવ્યું હતું.

અવિભાજિત શિવસેના ૨૦૧૯થી ૨૦૨૨ સુધી એનસીપી અને કોંગ્રેસ સામે મહારાષ્ટ્રમાં સત્તામાં હતી. તે સમયે ઉધ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન હતા. સેનાના નેતા એકનાથ શિંદેના બળવાના કારણે ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર પડી ગઈ હતી.

શિંદેના બળવાના કારણે શિવસેનાના ભાગલા પડી ગયા હતા. હાલ એકનાથ શિંદે મહારાષ્ટ્રન મુખ્યપ્રધાન છે અને તેમના શિંદેની આગેવાની હેઠળની પાર્ટી જ અસલી શિવસેના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે રાજ્યમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યા હતા.


Google NewsGoogle News