રણવીર અલ્હાબાદિયા સહિત ૩૦ જણા સામે એફઆઇઆર, શોના બધાં એપિસોડ ડિલિટ
રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા અલ્હાબાદિયા આણી મંડળીને ૧૭ ફેબુ્ર.ના સમન્સં
વાણી સ્વાતંત્ર્યને નામે ગમે તેમ બકવાસ કરતાં ઇન્ફલુએન્સર્સને મોકળું મેદાન આપતાં સોશ્યલ મિડિયાને નિયંત્રિત કરવા કાયદો ઘડવાની સંસદમાં માંગણી
મુંબઈ પોલીસ રણવીરનાં ઘરે તથા શો શૂટ થયો તે સ્ટુડિયોમાં પહોંચી, જોકે, શૂટમાં કાળા પડદાના ઉપયોગના કારણે શોનું સીસીટીવી રેકોર્ડિંગ નહિ
મુંબઇ - સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાના યુ ટયુબ રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં સ્પર્ધકોને મહેમાન તરીકે આવેલાં રણવીર અલ્હાબાદિયાએ માતાપિતાની જાતીય પ્રવૃત્તિ વિશે બિભત્સ સવાલ કર્યો તેના વિરોધમાં ફાટી નીકળેલો વિવાદ આજે બીજા દિવસે ઓર ભડકતાં મહારાષ્ટ્રની સાયબર પોલીસ દ્વારા રણવીર અલ્હાબાદિયા સહિત ૩૦ જણાં સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. શોના તમામ કુલ ૧૮ એપિસોડમાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કેસ નોંધી તેમને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચે આ બાબતની નોંધ લઇ રણવીર અલ્હાબાદિયા, સમય રૈૈના, અપૂર્વા મખીજા, જસપ્રીતસિંહ અને આશિષ ચંચલાની તથા શોના નિર્માતાઓ તુષાર પુજારી અને સૌરભ બોથરાને પણ સત્તર ફેબુ્રઆરીએ પંચ સમક્ષ દિલ્હીમાં હાજર થવા સમન્સ મોકલ્યા હતા. ગઇકાલે આસામમાં આ મામલે પહેલી એફઆઇઆર નોંધવામાં આવી હતી. યુ ટયુબ દ્વારા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કોમેડી શોના તમામ એપિસોડ હટાવી લેવામાં આવ્યા હતા. સંસદમાં શૂન્યકાળ દરમ્યાન શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ આ મુદ્દો ઉઠાવી વાણી સ્વાતંત્ર્યને નામે તમામ પ્રકારનો બકવાસ કરતાં ઇન્ફલુએન્સર્સને મોકળું મેદાન આપતાં સોશ્યલ મિડિયાને નિયંત્રિત કરવા કાયદો ઘડવાની માંગણી કરી હતી. આ શોમાં જણાવવામાં આવેલી બાબતને સેન્સર કરવી જોઇતી હતી. ઇન્ફલુએન્સરના કન્ટેન્ટ પર સેન્સરશિપ લાદવી જોઇએ.
એક્સ પર છ લાખ અને ઇન્સ્ટાગ્રામ પર ૪૫ લાખ ફોલોઅર્સ ધરાવતાં અને તેની યુ ટયુબ ચેનલ પર એક કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ ધરાવતાં અલ્હાબાદિયાની આ કોમેન્ટ વાઇરલ થઇતેના પગલે મોટો વિવાદ શરૃ થઇ ગયો હતો.
મુંબઇ પોલીસે આ મામલાની તપાસ કરવા ત્રણ પોલીસ અધિકારીઓની એક સ્પેશ્યલ ઇન્કવાયરી ટીમ બનાવી તેંમને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા છે. એક ટીમ જ્યાં આ શો શૂટ કરવામાં આવ્યો હતો તે ખાર વિસ્તારમાં આવેલી હેબિટેટ હોટલમાં સીસીટીવી ફૂટેજ મેળવવા ગઇ હતી. પણ આ શૂટ વખતે કાળાં પડદાં વાપરવામાં આવતા હોઇ તેનું સીસીટીવી રેકોર્ડિંગ થઇ શકતું નથી. વળી આ શોને શૂટ કરવા બહારથી લોકોને બોલાવવામાં આવે છે જેઓ શૂટ પુરૃ થતાં જ કેમેરા અને રેકોર્ડ કરવામાં આવેલું કન્ટન્ટ લઇ જતાં રહે છે. મુંબઇ પોલીસ આ કેસંમાં બીએનએસએસની કલમ ૧૭૩(૩)(૧) હેઠળ કામ કરી રહી છે. દરમ્યાન આ શોમાં ભાગ લેનાર આશિષ ચંચલાનીના વકીલ પણ ખાર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.
આ મામલે મધ્યપ્રદેશના ઇન્દોર અને આસામ રાજ્યમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાંઆવી હતી. આસામ પોલીસે જણાવ્યું હતું કે અમે આ મામલે તપાસ હાથ ધરી મુંબઇ પોલીસનો પણ સંપર્ક કર્યો છે.
દરમ્યાન આ શોમાં એપિયર થવાનું નક્કી કરનાર ગાયક બી પ્રાકે આ પોડકાસ્ટમાં હાજર થવાનું માંડી વાળી ઇન્સ્ટા પર જણાવ્યું હતું કે તેનું વિચારધારા સાવ ખરાબ છે તેણે સમય રૈનાના શોમાં વાપરેલાં શબ્દોની પસંદગી પણ ખોટી છે.
મહિલા અને બાળવિકાસ ખાતાના પ્રધાન અન્નપૂર્ણા દેવીએ આ બાબતે રાષ્ટ્રીય મહિલા પંચ પાસે રિપોર્ટ માંગતા પંચે આ શોમાં સામેલ લોકોને સમન્સ પાઠવ્યા હતા. પંચે માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિનિ વૈષ્ણવને સોશ્યલ મિડિયા તથા ઓટીટી પર પીરસાતી બિભત્સ સામગ્રી ને નિયંત્રિત કરવા પગલાં ભરવાની પણ માંગણી કરી હતી.
રણવીર અલ્હાબાદિયાની જીભ કાપી લાવનારને પાંચ લાખનું ઇનામ
મુંબઇઃ સોશ્યલ મિડિયા ઇન્ફલુએન્સર ફૈઝાન અન્સારીએ એક વિડિયો રજૂ કરી જણાવ્યું હતું કે યુટયુબર રણવીર અલ્હાબાદિયાએ એટલી ખરાબ હરકત કરી છે કે જો હું ત્યાં હોત તો તેની જીભ કાપી લેત. પણ હવે આખા દેશમાંથી જે માણસ રણવીર અલ્હાબાદિયાની જીભ કાપીને મારી પાસે લાવશે તેને હું રોકડા પાંચ લાખ રૃપિયાનું ઇનામ આપીશ. રણવીર અલ્હાબાદિયાએ ભૂલ કરી છે અને તેને તેની સજા પણ મળવી જોઇએ.
રાખી સાવંત અને ઉર્ફી જાવેદ રણવીરના બચાવમાં ઉતર્યા
ફેશન ઇન્ફલુએન્સર ઉર્ફી જાવેદ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક શોમાં એક સ્પર્ધકે ભદ્દી કોમેન્ટ કરતાં આ શોને અધવચ્ચે છોડી ગઇ હતી. પણ તેણે જણાવ્યું હતું કે સમય મારો મિત્ર છે. પેનલ પર હાજર લોકોએ જે કહ્યું છે તે યોગ્ય નથી પણ મને નથી લાગતું કે તેમને તેના માટે જેલમાં મોકલવા જોઇએ. રાખી સાવંતે પણ લોકોને અલ્હાબાદિયાની ભૂલને માફ કરી દેવાની અપીલ કરી હતી.
ઇમ્તિયાઝ અલી અને મનોજ બાજપેયીએ રણવીરને અપરિપક્વ ગણાવ્યા
ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીએ સમય અને રણવીરને અપરિપકવ ગણાવી જણાવ્યું હતું કે શોર્ટ વે સે જો ફેમ આતા હૈ વોહ ચલાભી જાતા હૈ. અશ્લીલતા એસા સબ્જેક્ટ હૈ કી ઓબ્વિયસલી જો બુરા હૈ યે તો કોઇ ભી કહેગા મગર લોગ ઇમ્મેચ્યોર હોતે હૈ તો જ્યાદા સિરિયસલી ઉનકી ગલતિયોં કો લેના ભી નહીં ચાહિયે. અભિનેતા મનોજ બાજપેયીએ અલીના મંતવ્ય સાથે સહમત થતાં જણાવ્યું હતું કે ઇસલિયે જો ભી સફલ રહે હેં ,યંગ હૈ યુવા હૈ હમેશા જો હૈ માહૌલ કો જરા દેખેં ઔર સમજે.