એનિમલ વેલ્ફેર બોર્ડ સામે વિરોધ દર્શાવવા ફિલ્મ નિર્માતા વાનર જેમ વૃક્ષ પર ચઢ્યા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
એનિમલ વેલ્ફેર બોર્ડ સામે વિરોધ દર્શાવવા ફિલ્મ નિર્માતા વાનર જેમ વૃક્ષ પર ચઢ્યા 1 - image


દાદરના શિવાજી પાર્કમાં વહેલી સવારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો

ફિલ્મમાં પ્રાણી-પક્ષીઓના ઉપયોગ માટે એનઓસીમાં હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ : પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો

મુંબઇ :  દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં આજે સવારે મુંબઇના એક ફિલ્મ નિર્માતાએ એક ઝાડ પર  ચડીને અનોખું આંદોલન કર્યું હતું. એનિમલ વેલ્ફેર બોર્ડ તરફથી એનઓસી આપવાને નામે પૈસાની વસૂલી માટે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ કરી પ્રવિણકુમાર મોહોરે નામના ફિલ્મ નિર્માતાએ ઝાડ પરથી પડતુ મુકી આત્મહત્યા કરવાની ધમકી પણ આફી હતી. સવારના સમયે બનેલ આ હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મોર્નિંગ વોકર સહિત નોકરીએ જતા લોકોએ ગરદી કરી મૂકી હતી. અંતે પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ મોહોરેની ભારે સમજાવટ કર્યા બાદ તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર પ્રવિણકુમાર મોહોરે મરાઠી ફિલ્મ નિર્માતા છે અને નાની મોટી ફિલ્મોનું નિર્માણ કરે છે.  પ્રવિણકુમાર ફિલ્મોમાં ગ્રામ્ય સંસ્કૃતિ દેખાડે  ત્યારે મરઘી, ગાય, બળદગાડા જેવા દ્રશ્યો દર્શાવવા પડતા હોય છે. તેમણે અનુભવ્યું હતું કે આવા દ્રશ્યો દર્શાવવા માટે એનિમલ વેલ્ફેર બોર્ડની એનઓસી લેવી પડે છે કારણ કે સેન્સર બોર્ડ પણ આ પ્રકારની એનઓસી ન હોય તો ફિલ્મ રિલીઝ થવા દેતુ નથી .મોહોરેને અનુભવ થયો હતો કે દર વખતે ફિલ્મોમાં આવા દ્રશ્યો માટે બોર્ડની એનઓસી લેવી પડે છે અને તે માટે દરવખતે રૃા.૩૦ હજાર ચૂકવવા પડે છે. આ હેરાનગતિથી કંટાળી ગયેલા મોહોરેએ થોડા સમય  પહેલા ઓશિયલ મીડિયાના  માધ્યમથી આંદોલન ચલાવી સરકાર અને લોકોનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઇ સફળતા મળી નહોતી.

આજે સવારે મોહોરે પ્રાણીઓને જેમ ચેનમાં બાંધેલા દર્શાવાતા હોય છે તેમ શરીર ફરતે જાડી લોખંડની ચેન વિટાંળી લીધી હતી અને શિવાજી પાર્કમા વાનરની જેમ ં એક ઝાડ પર ચડી ગયો હતો તેમણે ઝાડ પર એક બેનર પણ બાંધી દીધું હતું જેમાં તેમણે તેમના આ અનોખા આંદોલનના કારણો પણ આપ્યા હતા. જ્યાં સુધી તેમની હેરાનગતિ બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ નીચે નહીં ઉતરે અને જરૃર પડે ઝાડ પરથી કૂદી આત્મહત્યા કરી દેશે તેવું જણાવતા ત્યાં હાજર થયેલ લોકોએ આ વાતની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરતા બન્ને એજન્સીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ સમયે મોહોરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મનસે પ્રમુખ રાજઠાકરેને મળી આ મુદ્દે રજૂઆત કરવા માગતા હોવાનું જણાવ્યું હતું. અંતે ભારે સમજાવટ બાદ મોહોરેને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ વધુ પૂછપરછ માટે મોહોરેને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.

આ સંદર્ભે પ્રવિણકુમાર મોહોરેએ પત્રકારોને જમાવ્યું હતું કે ફિલ્મોમાં પ્રાણીઓને  દર્શાવવા એનિમલ વેલ્ફેર બોર્ડનું ઓબજેકશન સર્ટિફિકેટ (એનઓસી) લેવું પડે છે. બોર્ડ તરફથી આ એનઓસી આપવા માટે ૩૦ હજાર રૃપિયા લેવામાં આવે છે આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આ પ્રકારની ભ્રષ્ટાચારને લીધે નાના ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ બનાવવા અને તેમની ફિલ્મ રિઝીલ કરવામાં નાકે દમ આવે છે. મોહોરેએ વધુમાં જણાવ્યું હતું કે તેણે એક ફિલ્મ બનાવી છે આ ફિલ્મ રિલીઝ કરવામાં તેને ભારે અડચણ આવી રહી છે. આ સમસ્યાનું મુખ્ય કારણ સેન્સર બોર્ડના અમૂક નિયમો અને શરતો છે. ફિલ્મમાં જો એક મરઘી, બકરી કે ગાય પણ દર્શાવી હોય તો એનિમલ વેલ્ફેર બોર્ડનું એનઓસી લેવું પડે છે જે માટે બોર્ડ તરફથી ૩૦ હજાર રૃપિયા વસૂલવામાં આવે છે ત્યાર બાદ જ આ સીન પાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મમાં બળદગાડું દેખાડવું હોય તો પણ ૩૦ હજાર ભરવા પડે છે. આ રીતે ફિલ્મ નિર્માતા અને નિર્દેશકોને બ્લેકમેલ કરવાનું ચાલું છે તેથી આ સમસ્યાનું સત્વરે સમાધાન કરવામાં આવે.


Google NewsGoogle News