સંપૂર્ણ સરકારી સન્માન સાથે ફિલ્મ સર્જક શ્યામ બેનેગલના અંતિમ સંસ્કાર સંપન્ન
શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ હાજર રહ્યા
શ્યામ બેનેગલે વિદાય લીધી નથી પણ આપણે તેમનો માર્ગ ચાતરી તેમને વિદાય કર્યા છેઃ ગુલઝારની અંજલિ
મુંબઇ : સમાંતર સિનેમા પ્રવાહના મોભી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના દાદર ખાતે શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં મંગળવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે ત્રણ ગનફાયરની સલામી સાથે સંપૂર્ણ સરકારી સન્માનસહ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શ્યામ બેનેગલને અંતિમ વિદાય આપવા પરિવાર પત્ની નીરા અને પુત્રી પિયાની સાથે તેમના સહકર્મીઓ નસીરૃદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, રજિત કપૂર, કુલભૂષણ ખરબંદા, ઇલા અરૃણ, બમન ઇરાની, દિવ્યા દત્તા, કુણાલ કપૂર, અનંગ દેસાઇ, શ્રેયસ તલપદે ઉપરાંત સમકાલીન નિર્દેશક ગુલઝાર, નિર્દેશક હંસલ મહેતા, પટકથાલેખક-ગીતકાર જાવેદ અખ્તર સહિત ઘણી ફિલ્મી હસ્તીઓ એકત્ર થઇ હતી.
શ્યામ બેનેગલને અંજલિ આપતા તેમના સમકાલીન ફિલ્મ સર્જક ગુલઝારે તેમની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે તેમણે વિદાય લીધી નથી પણ આપણે તેમનો માર્ગ ચાતરી તેમને વિદાય કર્યા છે. તે ફિલ્મ સર્જનમાં ક્રાંતિ લાવ્યા હતા અને તે પરિવર્તનની ક્રાંતિ સાથે વિદાય થયા છે. તેમની જેમ અન્ય કોઇ એ ક્રાંતિનું મોજું ફરી લાવી શકશે નહીં. આપણે તેમને લાંબો સમય યાદ કરીશું અને તેમના વિશે આગામી લાંબા સમય સુધી તેમના વિશે વાતો કરીશું.
શ્યામ બેનેગલ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરનાર નસીરૃદ્દીન શાહે જણાવ્યું હતું કે આજે હું જે કાંઇ પણ છું તેનું સંપૂર્ણ શ્રેય શ્યામ બેનેગલને જાય છે. વેલકમ ટુ સજ્જનપુર ફિલ્મમાં કામ કરનાર શ્રેયસ તલપદેએ જણાવ્યું હતું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી એ મારા માટે મોટો આશિર્વાદ છે. તેેમની સાથે કામ કરનાર કે તેમના સંપર્કમાં આવનારી દરેક વ્યકિત તેમનાથી પ્રેરિત થતી હતી. વેલકમ ટુ સજ્જનપુર ફિલ્મમાં કામ કરવાનો અનુભવ બેનેગલ સરને કારણેસૌથી યાદગાર બની રહ્યો છે. આ ફિલ્મના શૂટ બાદ હું એક વ્યક્તિ તરીકે બદલાઇ ગયો હતો. તેમની સાથે સંવાદ સાધી અમે અભિભૂત થઇ જતા હતા. તેમની વિદાયથી મોટી ખોટ પડી છે.
શબાના આઝમીના પતિ અને ગીતકાર જાવેદ અખ્તરે શશ્યામ બેનેગલની બે ફિલ્મો સરદારી બેગમ અને ઝુુબૈદા માટે ગીતો લખ્યા હતા. જાવેદ અખ્તરે શ્યામ બેનેગલને અંજલિ આપતાં જણાવ્યું હતું કે તેઓ હિન્દી સમાંતર સિનેમાના જનક હતા. ૫૦ વર્ષ અગાઉ તેમણે ૧૯૭૪માં અંકુર ફિલ્મ બનાવી હતી.આ પચાસ વર્ષોમાં તેમણે વૈકલ્પિક, બિનપરંપરાગત અને વાસ્તવિક ફિલ્મો બનાવી હતી. તેમણે ભારતમાં સમાંતર સિનેમા આંદોલનને જન્મ આપ્યો હતો. બહું થોડા લોકો જાણે છે કે ફિલ્મ કલબ દ્વારા પસંદ કરવામાં આવેલાં દુનિયાના ઉત્તમ સો દિગ્દર્શકોની યાદીમાં ભારતના બે જ ફિલ્મ સર્જક સત્યજીત રાય અને શ્યામ બેનેગલને સ્થાન મળ્યું છે. શબાના તેમને પિતાની જમ સન્માન આપતી હતી.
૨૦૦૫માં દાદાસાહેબ ફાળકે વિજેતા ફિલ્મ સર્જક શ્યામ બેનેગલે ૧૯૮૦થી ૧૯૮૬ દરમ્યાન નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન-એનએફડીસી-ના ડાયરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી.