ભારતમાં સમાંતર સિનેમાના મોભી ફિલ્મ સર્જક શ્યામ બેનેગલનું 90 વર્ષે નિધન
કીડનીના બિમારીથી પીડાતા બેનેગલે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો
બેનેગલે ટીવીના માધ્યમમાં પણ કથાસાગર, યાત્રા, ભારત એક ખોજ અન સંવિધાનઃ ધ છ મેકિંગ ઓફ ધ ઇન્ડિયન કન્સ્ટિટયુશન શ્રેણીઓ આપી
મુંબઇ - ભારતમાં ૭૦ના દાયકામાં આવેલાં સમાંતર સિનેમા પ્રવાહના જનક ફિલ્મનિર્દેશકોમાંના એક મોભી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ૯૦ વર્ષની વયે મુંબઇમાં એક ખાનગી હોસ્પિટલમાં સાડા છ વાગ્યાના સુમારે અવસાન થયું હતું. શ્યામ બનેગલની પુત્રી પિયા બેનેગલે આ સમાચાર આપ્યા હતા. છેલ્લા થોડા વર્ષોથી કિડનીની બિમારીથી પીડાતાં શ્યામ બેનેગલનેે અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ૧૪ ડિસેમ્બરે જ શ્યામ બેનેગલે તેમના પરિવાર અને મિત્રો સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. ભારત સરકારે ૧૯૭૬માં પદ્મશ્રી અને ૧૯૯૧માં પદ્મભૂષણ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. શ્યામ બેનેગલના પરિવારમાં પત્ની નીરા અને પુત્રી પિયાનો સમાવેશ થાય છે.
શ્યામ બેનેગલનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૩૪માં હૈદરાબાદમાં થયો હતો. ે તેઓ કોંકણી બોલતાં ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ ખાનદાનના ફરજંદ હતા.તેમના પિતા શ્રીધર બી. બેનેગલ મૂળ કર્ણાટકના વતની હતા અને ફોટોગ્રાફર હતા. તેમણે જ શ્યામને નાનીવયે ફિલ્મમેકિંગમાં રસ લેતાં કર્યા હતા. બાર વર્ષની વયે જ શ્યામે પિતાએ ભેટમાં આપેલાં કેમેરા દ્વારા પોતાની પહેલી ફિલ્મ બનાવી હતી. તેમણે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. હૈદરાબાદમાં જ તેમણે ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી ગંભીર સિનેમા પ્રતિ તેમના વલણને સ્પષ્ટ કર્યું હતું.
શ્યામ બેનેગલે તેમની કારકિર્દીની શરૃઆત ૧૯૫૯માં એક એડ એજન્સીથી કરી હતી. રસપ્રદ બાબત એ છે કે શ્યામ બેનેગલે ૧૯૬૨માં એક ગુજરાતી ડોક્યુમેન્ટરી ઘેર બેઠાં ગંગા પણ બનાવી હતી. ૧૯૭૪માં તેમણે હિન્દી ફિલ્મ અંકુર બનાવી એ પછી સમાંતર સિનેમામાં તેમણે ભૂિંમકા, ઝુનુન, આરોહણ, મંથન, મંડી અને સુસ્મન ફિલ્મો દ્વારા અમીટ છાપ છોડી હતી. શ્યામ બેનેગલે ટીવીના માધ્યમમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. દૂરદર્શન પર તેમની યાત્રા, કથાસાગર અને ભારત એક ખોજ જેવી શ્રેણીઓ ભારે લોકપ્રિય બની હતી. છેલ્લે તેમણે બંધારણની રચનાને લગતી દસ ભાગની શ્રેણી સંવિધાનઃ ધ મેકિંગ ઓફ ઇન્ડિયન કન્સ્ટિટયુશન બનાવી હતી. ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં તેમણે વિખ્યાત ફિલ્મસર્જક સત્યજીત રાય વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.
શ્યામ બેનેગલે ભારતીય સિનેમામાં જે ઉત્તમ અભિનેતાઓની ભેટ આપી તેમાં નસીરૃદ્દીન શાહ, ઓમપુરી, અમરીશપુરી, અનંત નાગ, શબાના આઝમી અને સ્મિતા પાટીલ મુખ્ય છે.શ્યામ બેનેગલની ફિલ્મોને અનેકવાર નેશનલ એવોર્ડસ મળ્યા હતા. તેમની નેશનલ એવોર્ડસ વિજેતા ફિલ્મોમાં ૧૯૭૬માં આવેલી મંથન, ભૂમિકા-૧૯૭૭, જુનુન -૧૯૭૮, આરોહણ -૧૯૮૨, નેતાજી સુભાષચંન્દ્ર બોઝઃ ધ ફરગોટન હીરો-૨૦૦૪ અને છેલ્લે ૨૦૧૦માં વેલ ડન અબ્બા ફિલ્મનો સમાવેશ થાય છે. છેલ્લે તેમણે ૨૦૨૩માં બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ મુજિબઃ ધ મેકિંગ ઓફ એ નેશન બનાવી હતી જેમાં બંગલાદેશના જન્મની તવારીખ રજૂ કરાઇ હતી.
કારકિર્દીની શરુઆત ગુજરાતી ડોક્યુ.થી
રસપ્રદ બાબત એ છે કે શ્યામ બેનેગલે ૧૯૬૨માં એક ગુજરાતી ડોક્યુમેન્ટરી ઘેર બેઠાં ગંગા પણ બનાવી હતી. ગુજરાત સાથે તેમનો ખાસ નાતો હતો. ગુજરાતની શ્વેત ક્રાંતિ પર તેમણે બનાવેલી ફિલ્મ 'મંથન' આજે પણ એક માઈલસ્ટોન ગણાય છે.