મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની શરૃઆત
19 એપ્રિલ રોજ થનારી પૂર્વ વિદર્ભની 5 બેઠક માટેની
ભાજપ સિવાય અન્ય કોઇપણ રાજકીય પક્ષોના ઉમેદવારોની ઘોષણા થઇ નથી
મુંબઇ : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પાંચ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. એમાં પ્રથમ તબક્કાની ૧૯ એપ્રિલના રોજ થનારી ચૂંટણી માટે આજથી પૂર્વ વિદર્ભની રામટેક, નાગપુર, ભંડારા- ગોંદિયા, ગઢ ચિરોલી- ચિમૂર અને ચંદ્રપુર મળીને પાંચ બેઠક માટે ઉમેદવારી ભરવાની આજથી શરૃઆત થઇ છે.
હજી વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારી કોને આપવી એ માટે જાહેરાત કરી નથી. આમ ચૂંટણીનો મંડપ સર્જાઇ ગયો પણ મૂરતિયાનો પત્તો નથી.
પ્રથમ તબક્કામાં ભાજપ તરફથી નાગપુરથી નિતીન ગડકરી, ચંદ્રપુરથી સુધીર મુનગંટીવારની ઉમેદવારી જાહેર કરી છે. ભંડારા- ગોંદિયા તેમજ ગઢચિરોલી લોકસભા મતદાર ક્ષેત્રથી ભાજપ કોને ઉમેદવારી આપે છે તેનું સસ્પેન્સ કાયમ છે. રામટેકની બેઠક બાબતે મહાયુતિ નિર્ણય લઇ શકી નથી.
આજથી ઉમેદવારી પત્રક ભરવાની શરૃઆત થઇ ગઇ છે. ૨૭ માર્ચ સુધી ઉમેદવારો તેમની ઉમેદવારીની અરજી ભરી શકાશે. ૨૮ માર્ચના રોજ ઉમેદવારી પત્રકની ચકાસણી કરાશે. ૩૦ માર્ચના રોજ અરજી પાછી ખેંચવાની અંતિમ મુદત રહેશે. ૨૦ માર્ચથી ૨૭ માર્ચ સુધી ઉમેદવારી દાખલ કરવાની તારીખ વચ્ચે ત્રણ દિવસ પ્રશાસનિક રજા છે. આથી ઉમેદવારોને પાંચ દિવસમાં જ ઉમેદવારી પત્રક ભરવાના રહેશે. આમ છતાં કોંગ્રેસ સહિત મહાવિકાસ આઘાડીએ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.
લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છતાં વિવિધ રાજકીય પક્ષ ઉમેદવારોની ઘોષણા કરી શક્યા નથી. આજથી ઉમેદવારોને પોતાની ઉમેદવારી નોંધાવાની શરૃઆત કરાઇ છે. અત્યારે ભાજપ સિવાય અન્ય કોપણ રાજકીય પક્ષે ઉમેદવારી જાહેર કરી નથી. આથી મંડળ સર્જાઇ ગયો છે. પરંતુ વરરાજા કોણ છે તે નક્કી નથી.