નાલાસોપારાના પાર્કિંગ લોટમાં ભીષણ આગ, 7 ટ્રકો સળગી ગઈ
મોડી રાતે લોકો બહાર ભાગ્યા, ગભરાટનું વાતાવરણ
કેમિકલ ભરેલાં ડ્રમ ફાટતાં અનેક વિસ્ફોટો, આજુબાજુનાં મકાનોના બારીબારણાના કાચ પણ ફૂટી ગયા
મુંબઈ : નાલાસોપારામાં એક પાર્કિંગ લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળતા સાત ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગ્યા બાદ એક ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થતા એકથી દોઢ કિ.મી. વિસ્તારના અમૂક ઘરના બારીના કાચ ફૂટી ગયા હતા. આ ઘટના બુધવારના મધરાતે એક વાગ્યે બની હતી. આ ઘટનાને લીધે લોકો ભયભીત બની ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ ઘટના બાબતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગેલી એક ટ્રકમાં અમૂક કેમિક્લ હોવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર નાલાસોપારા (ઈ)માં ધાનિવબાગ વિસ્તારમાં પાર્કિંગ લોટમાં પાર્ક કરેલ એક ટ્રકમાં બુધવારે મધરાત્રે એક વાગ્યે અચાનક આગ લાગી હતી. આ ટ્રકમાં લાગેલી આગે તરત જ ભીષણ સ્વરૃપ પકડી લેતા અહીં પાર્ક કરવામાં આવેલ અન્ય છ ટ્રકો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. જે ટ્રકમાં આગ લાગી તેમાં કેમિક્લ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી તેવું કહેવાય છે. દરમિયાન આગ અન્ય ટ્રકોમાં લાગ્યા બાદ અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો જેને લીધે એકથી દોઢ કિમીના વિસ્તારના અમૂક ઘરના બારીના કાચ ફૂટી ગયા હતા. આ ઘટનાને લીધે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં તેમને સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ ભારે નુકશાન થયું હોવાનું કહેવાય છે. આગનું ખરુ કારણ જાણી શકાયું નથી.