ગોવંડીની ઝુંપડપટ્ટીમાં ભીષણ આગઃ ૧૫ ગોદામો અને ઘણાં ઘરો બળીને ખાખ
- પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
- ગેસના સિલિન્ડરો ફાટતા આગ વધુ ફેલાઈ હતી
મુંબઈ : ગોવંડી સ્થિત આદર્શ નગર વિસ્તારમાં બૈગનવાડીની એક ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં લગભગ ૧૫ ગોદામો અને ઘણા ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવડીના આદર્શ નગર બૈગનવાડી વિસ્તારમાં એક ઝુંપડપટ્ટીમાં ં આગ ફાટી નીકળી હતી. આ આગ આજે વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી. આગ લાગતા જ આસપાસના આશરે ૧૫ ગોદામો અને ઘણા ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.
આગની ઘટના બનતા જ નાગરિકો તાત્કાલિક ઘરની બહાર આવી ગયા અને ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ ફાયર વિભાગના નવ બંબાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રથમ બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. આ આગ એટલી ગંભીર હતી કે કેટલાક ગેસ સિલિન્ડરો પણ ફાટયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભારે જેહમત બાદ સવારે ૮.૫૫ વાગ્યે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ આ મામલામાં કોઈ જાનહાનિ નથી, જો કે, ગોદામમાં રાખવામાં આવેલા ઈલેક્ટ્રીક વાયરીંગ, પ્લાસ્ટીક સીટો, ઘરવખરીનો સામાન, લાકડાઓના પાટીયા અને ફર્નિચર સહિત અન્ય વસ્તોઓ આગના લપેટામાં આવી ગઈ હતી, એમ ફાયર વિભાગ અધિકારીએ વધુમાં કહ્યું હતું.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. તેથી હાલ દેવનાર પોલીસ આ ઘટનામાં વધુ તપાસ કરી રહી છે.