બોઈસર એમઆઈડીસી યુનિટમાં ભીષણ આગ લાગીઃ 1 ઘાયલ
દોઢ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો
આગના સમયે યુનિટમાં કામ ચાલુ હતું આગ લાગતા જ હાજર લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા
મુંબઇ : બોઈસર એમઆઈડીસીમાં આજે એક દવા બનાવતી યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં એક શખ્સ ઘાયલ થયો હતો.
પાલઘરના બોઈસર એમઆઈડીસી વિસ્તારમાં એક દવા બનાવતી યુનિટમાં આજે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ અચનાક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ સાથે ફાયર વિભાગના બે બંબાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરુ કરીહતી.
ભારે જહેમત બાદ ફાયર વિભાગે દોઢ કલાક બાદ આગ પર સંપુર્ણ પણે કાબુ મેળવ્યો હતો. આ આગમાં ઔદ્યોગિક કાર્યકરને ઈજાઓ થતા તે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આગ પર કાબુ મેળવી લેતા ફાયર વિભાગે ઘટનાસ્થળે કુલિંગનું કામ હાથ ધર્યું હતું. આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયુ નથી. જો કે, આગની ઘટના સમયે યુનિટમાં કામ ચાલુ હતું. જેમાં આગ લાગતાની સાથે જ યુનિટમાં હાજર તમામ લોકો બહાર સુરક્ષિત રીતે નીકળી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના બનાતા ટળી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.