મુંબઈના દરિયામાં નેવીની બોટની ટક્કરથી ફેરી બોટ ઉથલી: 13નાં મોતઃ100થી વધુનો બચાવ
- નવું એન્જિન ફિટ કરાયા બાદ નેવીની બોટનું પરીક્ષણ ચાલતું હતું
- સ્પીડ બોટ કાબૂ ગુમાવી એલિફન્ટા કેવ્ઝ જતી 80થી વધુ પ્રવાસીઓ સાથેની ફેરી સાથે અથડાઈ: મધ દરિયે ચીસાચીસ વચ્ચે નેવી-કોસ્ટગાર્ડનું ઓપરેશન
- હેલિકોપ્ટરો, નેવીના જહાજો કામે લાગ્યાં: 100થી વધુ લોકો હોસ્પિટલોમાં ખસેડાયા: મૃતકોને પાંચ લાખનું વળતર અપાશે
મુંબઈ : મુંબઈમાં નેવીની સ્પીડ બોટે આજે દરિયામાં એલિફન્ટાની ગુફાઓ તરફ જઈ રહેલી પેસેન્જર ફેરી બોટને ટક્કર મારતાં ભરદરિયે સર્જાયેલા અકસ્માતમાં ૧૩ લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય ૧૦૦થી વધુનો બચાવ કરાયો હતો. જોકે, બચી ગયેલા લોકોન બોટમાં પટકાવા કે દરિયાનું પાણી જવાથી અસર થવાને કારણે જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડાયા છે. સમગ્ર બનાવ અંગે નેવી તથા મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશો આપ્યા છે. મૃતકોમાં નેવીના કર્મચારીઓ તથા સહેલાણીઓનો સમાવેશ થાય છે. બચી ગયેલા ચારની હાલત અતિશય ગંભીર હોવાનું જણાવાયું હતું. બચાવાયેલા લોકોમાં વિદેશી સહેલાણીઓ પણ સામેલ હોવાનું જણાવાયું હતું.
મુંબઈના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયામાં હજારોની સંખ્યામાં દરરોજ પર્યટકો આવે છે. જેથી આ વિસ્તારમાં દરરોજ ભાર ે ભીડ હોય છે. અહંીંથી એલિફન્ટાની ગુફાઓ જવા માટે તથા અલીબાગ જવા માટે ફેરી બોટો ઉપડે છે. એક ફેરી બોટમાં સોથી દોઢસો લોકો પ્રવાસ કરતા હોય છે.
આજે નીલકમલ નામની ફેરી બોટ ૧૦૦થી વધુ મુસાફરોને લઈને બપોરે ચાર વાગ્યાની આસપાસ એલિફન્ટા જ તરફજ ઈ રહી હતી. આ સમયે ઉરણના કારંજા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ભારતીય નૌકાદળે પોતાની સ્પીડ બોટમાં નવું એન્જિન નખાવ્યું હતું. આ નવાં એન્જિન સાથે સ્પીડ બોસ્ટની ટ્રાયલ લેવા માટે નેવીના ચાર કર્મચારી તથા એન્જિન સપ્લાય કરનારી કંપનીના ચાર કર્મચારી નીકળ્યા હતા. જોકે, ટ્રાયલ ચાલતી હતી અને બોટ એકદમ સ્પીડમાં હતી ત્યારે જ અચાનક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તે ઠપ થઈ ગયું હતું. આથી, નેવીના સ્પીડ બોટ ચાલકે બોટ પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ સ્પીડ બોટ ગોળ ગોળ ચક્કર ખાઈને સીધી નીલમકમલ ફેરી બોટ સાથે ટકરાઈ હતી.
મોટાભાગે ફેરીમાં પ્રવાસીઓ સીટ પર બેસવાને બદલે ધાર પર ઉભા રહી દરિયાની સહેલની મજા લેતા હોય છે. ફોટા વગેરે પાડતા હોય છે. અચાનક પૂરપાટ વેગે બોટ ટકરાતાં આ પ્રવાસીઓ ઉથલીને દરિયામાં પડયા હતા અને ફેરી બોટ પલ્ટી ખાઈ ડૂબવા લાગી હતી.દુર્ઘટના સમયે બોટમાં ૧૦૦થી વધુ મુસાફરો અને પાંચ ક્રુ મેમ્બર સવાર હતા. ફેરી બોટમાં નાનાં બાળકાની ટિકિટ લેવાતી નથી આથી તેમાં કેટલાં બાળકો હતાં તેનો કોઈ અંદાજ નથી.
જોતજોતામાં પ્રવાસીઓની રોકકળ અને ચીસાચીસથી વાતાવરણ ગાજ્યું હતું. બચાવો બચાવોની બૂમો પડી હતી. દરિયામાં આસપાસ રહેલી બીજી પેસેન્જર બોટ તરત આ બોટ તરફ આવી હતી. થોડીવારમાં જ નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસને તથા જેએનપીટીને પણ જાણ કરાઈ હતી. આ તમામ એજન્સીઓ પોતપોતાની બોટ તથા જહાજ સાથે આવી પહોંચી હતી. બનાવની ગંભીરતા પારખીને નેવી દ્વારા રેસ્કયૂ માટે ચાર હેલિકોપ્ટર પણ કામે લગાડાયાં હતાં. સ્થાનિક માછીમારો પણ દરિયામાં લોકોને શોધવાના કામે લાગ્યા હતાં. યલો ગેટ પોલીસની ટીમ તથા મુંબઈ મહાપાલિકાની રેસ્કયૂ અને મેડિકલ ટીમો પણ ગેટવે તરફ ધસી ગઈ હતી. જેમાં ૧૧ નેવી બોટ અને મરીન પોલીસની ત્રણ બોટ તથા કોસ્ટ ગાર્ડની એક બોટ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. તેમની મદદથી મુસાફરોની શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ અને આ વિસ્તારના માછીમારો પણ સામેલ થયા હતા.
મોડી રાતે અપાયેલી માહિતી અનુસાર જેએનપીટી હોસ્પિટલમાં ૫૬, નેવલ ડોકયાર્ડમાં ૩૨, અશ્વિની હોસ્પિટલમાં એક, સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં નવ અને કરાંજેની હોસ્પિટલમાં ૧૨ લોકોને ખસેડાયા હતા. ૧૩ લોકોનાં મૃત્યુ થયાનુ જાહેર કરાયું હતું.
ઘટના સમયે પેસેન્જ બોટમાં કુલ કેટલા મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. તેનો ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ૯૯ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમયે એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અસરગ્રસ્તોમાંથી ચારની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન એક મુસાફરનું મોત થયું હતું.
મૃતકોમાં નૌકાદળની સ્પીડ બોટમાં સવાર એક નૌકાદળના કર્મચારી અને ઓઈએમ( ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ટરર)ના બે કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો.
આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ૧૦૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મુંબઈ હાર્બરમાં પેસેન્જર ફેરી અને ભારતીય નૌકાદળના સ્પીડ બોટ વચ્ચેના અથડામણમાં અમૂલ્ય જાન ગુમાવવાથી ખુબ જ દુઃખી છું. બંને બોટના નૌકાદળના કર્મચારીઓ અને નાગરિકો સહિત ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક તબીબી સંભાળ મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોને પાંચ લાખ રુપિયા આપવામાં આવશે. નૌકાદળ તથા રાજય સરકાર દ્વારા સમગ્ર બનાવની સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.