ત્રણ કરોડની ફેરારીને બળદગાડાએ બચાવી, મુંબઈ નજીકના બીચ પર એડવેન્ચર ભારે પડ્યું
Ferrari Saved By Bullcart: મુંબઈના બે ટુરિસ્ટ સવારે તેમની લક્ઝરી કાર ફેરારી કેલિફોર્નિયા રોડસ્ટર લઈને ટહેલવા નીકળ્યા હતા. તેઓ અલીબાગથી 17 કિમી દૂર આવેલા રેવદંડા બીચ પર ફરવા ગયા હતા. તેઓ બીચ પર કાર ચલાવતા જોવા મળ્યા હતા અને રેતીમાં કાર ચલાવી રહ્યા હોવાથી કાર ફસાઈ ગઈ હતી. ત્યાંના લોકોએ ખૂબ જ મહેનત કરી હોવા છતાં એને રેતીમાંથી બહાર કાઢવામાં નિષ્ફળતા મળી હતી.
જોકે આ કારની મદદે બળદગાડી આવી હતી અને ફેરારીને બચાવી હતી. ફેરારી કેલિફોર્નિયા રોડસ્ટર તેની સ્પીડ અને લક્ઝરી માટે જાણીતી છે. આ કારની કિંમત ભારતમાં 2.82 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. કારના શોખીન કોઈ પણ જાતના વિચાર કર્યા વગર રેતીમાં લઈ ગયા હતા અને અંતે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અંતે ફેરારીના બચાવ માટે એક ખાસ બળદગાડીને બોલાવવી પડી હતી. આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે.
બીચ પર હાજર લોકલ લોકોની ખૂબ જ મદદ હતી કે તેમણે કારને ધક્કો મારી રેતીમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો. જોકે એમાં સફળતા નહોતી મળી. આથી, કારના માલિકે ત્યાંથી પસાર થતી એક બળદગાડીને જોઈ ત્યારે તેની પાસે જઈને મદદ માગી હતી અને તે બીચ પર લઈ આવ્યો. લોકલને બીચ અને ત્યાંની જગ્યા વિશે માહિતી હતી, એટલે બળદગાડીના માલિકે મદદ માટે હામી ભરી હતી. ત્યાર બાદ દોરડા વડે બળદગાડી અને કારને બાંધવામાં આવી હતી અને ત્યાર બાદ એને રેતીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
અલીબાગથી માલવણ સુધીના બીચ આ સીઝનમાં ખૂબ જ ટુરિસ્ટ જોવા મળે છે. ખાસ કરીને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે ઘણી વ્યક્તિઓ બીચ હાઉસને પસંદ કરે છે. અહીં ઘણાં વિલા છે જે ભાડે મળે છે અને એમાં તેઓ પાર્ટી કરતાં જોવા મળે છે. આ સાથે જ સામાન્ય વ્યક્તિ બીચ પર ઊંટ અને ઘોડાની પણ સવારી કરે છે, તેમજ ઘણાં વોટરસ્પોર્ટ્સ પણ આ બીચ પર હવે જોવા મળે છે. આ બીચ રોમાંચક છે, પરંતુ આ રેતીમાં વાહન ચલાવવાથી તેઓ ફસાઈ જાય છે.