મુંબઈની સરકારી બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્ર્થી દ્વારા મહિલા કૂકની છેડતી
- સરાકારી હોસ્ટેલમાં મહિલા સલામતી સામે ફરી પ્રશ્નાર્થ
મુંબઇ : હજા ગયા મહિને જ મુંબઇમાં આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના હજી તાજી છે ત્યાં મુંબઇમાં એક સરકારી બોયઁઁઝ હોસ્ટેલમાં રસોઇ બનાવવા આવતી એક મહિલાની છેડતી ૨૬ વર્ષના ગ્રેજ્યુએશનના એક સ્ટુડંટે કરી હતી. આ ઘટના બાદ હો-હા થતા અન્ય વિદ્યાર્થીઓએ આરોપીને પકડી પાડયો હતો પણ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવતા પોલીસે વિનયભંગનો ગુનો નોંધી ફરાર સ્ટુડંટને પકડી પાડવાનો પ્રયાસ આદર્યો છે.
વિદ્યાર્થી પરોઢે ત્રણ વાગ્યે યુવતીના રુમમાં પહોંચી ગયો અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યોઃ અન્ય વિદ્યાર્થીઓએ પકડી લીધો પણ પોલીસ આવે તે પહેલાં ભાગી ગયો
આ સંદર્ભે વધુ વિગતાનુસાર ફરિયાદી પચ્ચીસ વર્ષની યુવતી બોય્સ હોસ્ટેલમાં રસોઇ બનાવવાનું કામ કરે છે. આ મહિલા હોસ્ટેલ કેમ્પસમાં તેના પરિવાર સાથે રહે છે. ૧૪ ઓગસ્ટના અવિનાશ બનસોડે (૨૬) નામનો એક વિદ્યાર્થી અહીં રહેતા તેના મિત્રોને મળવા આવ્યો હતો અને રાત્રે અહીં જ રોકાવાનો નિર્ણય લીધો હતો. રાત્રે ફરિયાદી મહિલા પહેલા માળે આવેલ તેની રુમમાં નિદ્રાધીન હતી ત્યારે સવારે ત્રણ વાગ્યે બનસોડે ત્યાં પહોંચી ગયો હતો અને તેણે મહિલાની રુમની બારી ખોલી હતી અને તેને અયોગ્ય સ્પર્શ કરી તેની છેડતી કરી હતી. આ ઘટનાથી મહિલા સફાળી જાગી ગઇ હતી અને તેમે ડરના માર્યા મદદ માટે બૂમો પાડી હતી. મહિલાની બૂમો સાંભળી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ જાગી ગયા હતા અને મહિલાની મદદ માટે દોડયા હતા. આ સમયે બનસોડેએ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો પણ વિદ્યાર્થીઓએ તેને પકડી પાડયો હતો.
બનસોડેને પોલીસના હાથોમાં આપવાનું નક્કી થયું હતું. જોકે પોલીસ આવે તે પહેલા બનસોડે ભાગી છૂટયો હતો. આ દરમ્યાન આરોપી બનસોડે તેનો મોબાઇલ ત્યાં જ ભૂલી ગયો હતો. દરમ્યાન ત્યાં જ રહેતા ફરિયાદીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને બનસોડેના વિરોધમાં ફરિયાદ નોંધાવી તેનો મોબાઇલ પણ પોલીસને સોંપ્યો હતો.
પોલીસે આ પ્રકરણે બનસોડે સામે આઇપીસીની કલમ ૩૫૪ અને ૪૫૨ હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડવાના પ્રયાસો આદર્યો છે.