Get The App

દૂધમાં ભેળસેળ ઝડપવા માટે એફડીએ દ્વારા ઠેર ઠેર દરોડા

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
દૂધમાં ભેળસેળ ઝડપવા માટે એફડીએ દ્વારા ઠેર ઠેર દરોડા 1 - image


1 હજારથી વધુ સેમ્પલનું એનાલિસીસ થશે

અધિકારીઓની ટીમ ડેરીઓ, ફેરિયાઓ, રોડ સ્ટોલ્સ પર પહોંચી

મુંબઈ  -  દૂધમાં મોટાપાયા પર ભેળસેળ થઈ રહી હોવાની પ્રવૃત્તિને અટકાવવા મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને રાજ્યભરમાં ઝુંબેશ ચલાવી દૂધના સેમ્પલો ભેગા કર્યા હતા.  ૧૫મી જાન્યુઆરી બુધવારે એફડીએના ૧૦૩ ફૂડ સેફ્ટી ઓફિસરો દૂધ ઉત્પાદકો, ડિસ્ટ્રિબ્યૂટર્સ, ફેરિયાઓ અને રોડ પરના સ્ટોલ્સમાં પહોંચ્યા હતા અને દૂધના સેમ્પ્લસ ભેગા કર્યા હતા. તેમણે કુલ ૧૦૬૨ સેમ્પલ ભેગા કર્યા હતા.

અધિકૃત ફૂડ લેબોરેટરિસમાં દૂધના સેમ્પ્લસ મોકલવામાં આવ્યા હતા જેમાં ભેળસેળ થઈ છે કે નહીં તે અંગે તપાસ કરાશે. એફડીએના કમિશનરે કહ્યું કે 'પૃથક્કરણ પછી દૂધમાં ભેળસેળ હોવાની જાણ થશે તો ઉત્પાદકો અને સપ્લાયરો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડડ ડેટા એક્ટની જોગવાઈઓ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે. દૂધમાં ભેળસેળની ફરિયાદો હોય તો એફડીએ હેલ્પલાઇન નંબર અથવા ઇ-મેલ આઇડી અથવા ગ્રાહકોની ફરિયાદોના પોર્ટલ પર મોકલવા એફડીએએ નાગરિકોને વિનંતી કરી છે.

બુધવારની ઝુંબેશમાં એફડીએ અધિકારીઓએ દૂધના પેકેજના ૬૮૦ સેમ્પલ અને છૂટક દૂધના ૩૮૨ સેમ્પલ ભેગા કર્યા હતા. એફડીએ અધિકારીઓએ ઝુંબેશની શરૃઆત સવારે પાંચ કલાકે કરી હતી.

જુલાઈ ૨૦૨૪માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભેળસેળના ગુનાઓ માટે જુદો કાયદો ઘડવાની હિમાયત કરી હતી. મહારાષ્ટ્રમાં દૂધની ડિમાન્ડ પુરવઠા કરતા વધુ છે. કેટલાક વેન્ડર્સ પાણી અને ડિટેર્જન્ટ અને કેમિકલ્સ મેળવવામાં આવે છે તેવું કહેવામાં આવે છે.

દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે અને માનવના શરીરના વિકાસ માટે જરૃરી છે. ભેળસેળવાળા દૂધ પીવાથી આરોગ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે.

એફડીએએ સરપ્રાઇઝ ચેકિંગ ઝુીંબેશ વારંવાર હાથ ધરવી જોઈએ તેવું નિષ્ણાતો કહે છે. ગ્રાહકોએ પણ અધિકૃત દૂધ વિક્રેતા પાસેથી જ દૂધ ખરીદવું જોઈએ તેવું તેમનું કહેવું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (હૂ - ડબ્લ્યુએચઓ) પણ ભારતમાં દૂધના ભેળસેળથી સતર્ક રહેવા ચેતવણી આપી હતી.


Google NewsGoogle News