હવે ભારતમાં ફવાદખાન-વાણી કપૂરની ફિલ્મ અબીર ગુલાલ રજૂ નહીં થવા દેવાય
પહેલગામ આતંકી હુમલાને પરિણામે નવ મેએ રજૂ થનારી ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ
અબીર ગુલાલ ફિલ્મનો શો, ગીતો કે પરફોર્મન્સને ક્યાંય પણ પ્રસારિત કરવા દેવામાં આવશે નહીંઃ ફિલ્મ ફેડરેશનના પ્રમુખ તિવારી
મુંબઈ - પહેલગામ આતંકી હુમલાને પગલે દેશભરમાં ફાટી નીકળેલાં પાકિસ્તાન વિરોધી જુવાળને કારણે પાકિસ્તાનના અભિનેતા ફવાદખાનની ફિલ્મ અબીર ગુલાલને હવે નવ મેના રોજ ભારતમાં રજૂ થવા દેવાશે નહીં તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ પણ ફવાદખાનને આ ફિલ્મમાં હીરો તરીકે લેવામાં આવતાં વિરોધ થયો હતો. પહેલગામમાં આતંકી હુમલાને પગલે સોશ્યલ મિડિયા પર લોકોએ પાકિસ્તાન સામે કડક પગલાં ભરવાની માગણી કરી હતી. તેમણે પાકિસ્તાની કળાકારો સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગના કામ કરવા સામે પણ સવાલો કર્યા હતા.
બોમ્બે હાઇકોર્ટ દ્વારા ૨૦૨૩માં પાકિસ્તાની કળાકારો પર ભારતમાં કામ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માંગતી અરજીને ફગાવી દીધી હોવા છતાં સંખ્યાબંધ રાજકીય પક્ષો અને ફિલ્મ એસોસિએશન્સે આ પ્રકારના સહકારનો મક્કમપણે વિરોધ ચાલુ રાખ્યો હતો.
આરતી એસ. બાગડી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું ટીઝર રજૂ થયા બાદ ઘણાંએ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. વાણી કપૂર અને ફવાદ ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મમાં સોની રાઝદાન અને રિદ્ધિ ડોગરાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ રોમેન્ટિક ફિલ્મનું દુબઇમાં પ્રમોશન કરવા ગયેલાં વાણી અને ફવાદે ૨૦ એપ્રિલે ફિલ્મના સોંગને લોન્ચ કર્યું હતું. ફવાદખાને સોશ્યલ મિડિયા પર આ બાબતે જણાવ્યું હતું કે પહેલગામમાં થયેલાં ઘાતકી હુમલાના સમાચાર સાંભળી ખૂબ ઉદાસી અનુુભવી રહ્યો છું. આ ઘડીએ હું આ હુમલાનો ભોગ બનેલાઓ માટે દુઆઓ કરી રહ્યો છું.
અગાઉ ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ-એફડબલ્યુઆઇસીઇ-ના પ્રમુખ બીએન તિવારીએ તમામ પાકિસ્તાની કળાકારો પર પ્રતિબંધ મુકી દેવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અબીર ગુલાલ ફિલ્મ ભારતમાં રજૂ ન થાય તે માટે તમામ જરૃરી પગલાં ભરવામાં આવશે. તિવારીએ જણાવ્યું હતું કે ફિલ્મના ગીતો કે તેના કોઇપણ દૃશ્યોને દેશમાં ક્યાંય પણ રજૂ કરવા દેવામાં આવશે નહીં. તમામ પ્લેટફોર્મ્સને આ બાબતની જાણ કરીદેવામાં આવી છે. ફિલ્મ ઉદ્યોગના કળાકારો અને કસબીઓને કોઇપણ પાકિસ્તાની કળાકારો સાથે કોઇપણ રીતે ન સંકળાવાની સલાહ આપવામાં આવી છે. આ ફિલ્મનો કોઇ શો, ગીતો કે પરફોર્મન્સને ક્યાંય પ્રસારિત કરવા દેવામાં આવશે નહીં.
ભારતમાં યુટયુબ પર પડેલાં પાકિસ્તાની શોના ઘણાં ભારતીય ચાહકો છે. આ પાકિસ્તાની શોનું ભાવિ શું એવા સવાલના જવાબમાં તિવારીએ જણાવ્યું હતું કે તેઓ તેમના સેક્ટરમાં જ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરી શકે. જો કે, મનોરંજનના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે થતાં આદાનપ્રદાનમાં અંતર વધતું જશે તેમાં કોઇ શંકા નથી તેમ તિવારીએ ઉમેર્યું હતું.