દીકરાને નજર સામે ડૂબતો જોયા બાદ પિતાનું પણ હાર્ટ એટેકથી મોત
વિરાર પાલિકા અધિકારી આઘાત ન ઝિરવી શક્યા
પુત્રને મુંબઇની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનની ખુશાલી મનાવવા પરિવાર રત્નાગીરી ગયા હતા
મુંબઇ : વસઇ- વિરાર મહાપાલિકાના ઉચ્ચ અધિકારી વિનાયક ફાસે સપરિવાર રત્નાગિરીના દરિયે ફરવા ગયા હતા ત્યારે નજર સામે જુવાન પુત્રને ડૂબતો જોઇ એટલો આઘાત લાગ્યો હતો કે પુત્રના અંતિમ-સંસ્કાર કરી પાછા ફર્યા બાદ તેમનું હાર્ટઅટેકને કારણે મૃત્યુ થયું હતું.
નવી મુંબઇના પનવેલમાં રહેતા વિનાયક ફાસેના પુત્ર સિદ્ધાર્થને મુંબઇની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જવાથી ખુશાલી મનાવવા માટે શનિ- રવિ રત્નાગિરીના દરેય ફરવા ગયા હતા. શનિવારે બીચ પર ગયા પછી તેમનો દીકરો દરિયામાં નાહવા પડયો હતો, પરંતુ સિદ્ધાર્થ અને તેની સાથેનો એક જણ મોટુ મોજું આવતા તણાવા માંડયા હતા. લાઇફ ગાર્ડ બચાવવા માટે કૂદી પડયા હતા. પરંતુ સિધ્ધાર્થને બચાવી નહોતા શક્યા, તેની સાથેના શખસને કિનારે લઇ આવ્યા હતા. રવિવારે સિદ્ધાર્થના અંતિમ- સંસ્કાર બાદ રાત્રે વિનાયક ફાસેને સિવિયર હાર્ટઅટેક આવ્યો હતો અને થોડી વારમાં જ તેમનું મૃત્યુ થયું હતું. આમ સોમવારથી સિદ્ધાર્થ કોલેજમાં જવાનું શરૃ કરે એ પહેલાં જ તેનું અને તેનાં પિતાનું મૃત્યુ થયું હતું.