ડુંગળીની નિકાસ પર 20 ટકા ડયૂટી ન હટાવાતાં ખેડૂતોનાં ધરણાં
નવી સરકારના એક મહિના પછી સ્થિતિ જૈસે થે
લાસણગાંવ માર્કેટ ખાતે દેખાવોઃ નિકાસ ડયૂટી નહિ ઘટે તો ડુંગળી સ્થાનિક બજારમાં ઠલવાતાં ભાવોમાં વધુ કડાકો થશ
મુંબઈ - નાસિકની લસલગાંવ માર્કેટમા ં ડુંગળીના હોલસેલ ભાવમાં જંગી ઘટાડો થતાં નિકાસ ડયુટી કેન્દ્ર સરકારને પાછી ખેંચવાની માંગણીના સમર્થનમાં ડુંગળી ઉત્પાદકોએ સોમવારે ધરણાં પ્રદર્શન કર્યા હતા. મહારાષ્ટ્ર સ્ટેટ ઓનિયન ગ્રોવર્સ એસોસિયેશને (એમએસઓજીએ) લસલગાંવ માર્કેટ ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત થઈ અને નવી સરકારની રચના થયાને એક મહિનો પછી પણ ડુંગળી પરની એક્સપોર્ટ ડયુટી ઘટાડવામાં આવી નથી તેવું ખેડૂતોએ કહ્યું હતું.
ગત ૨૦મી ડિસેમ્બરે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નિકાસ ડયુટી પાછી ખેંચવાની માંગણીને સમર્થન આપ્યું હતું.
ડુંગળી ઉત્પાદકોએ કહ્યું હતું કે ડયુટી હટાવવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. મહારાષ્ટ્રની તમામ ડુંગળી માર્કેટોમાં વેપાર બંધ કરવાની અમને ફરજ પડશે તેવું તેમણે કહ્યું હતું.
ભારતમાં સૌથી મોટી કાંદા માર્કેટ લાસણગાંવ માર્કેટમા ગત ચોથી જાન્યુઆરીએ પ્રતિ કિવન્ટલ રૃ.૨૪૦૦નો ભાવ હતો જે દસમી જાન્યુઆરીએ ઘટીને રૃ.૧૯૯૦ પ્રતિ કિવન્ટલ થયો છે. વધુને વધુ કાંદા બજારોમા ઠલવાઈ રહ્યા હોવાથી ભાવમાં હજી ઘટાડો થવાની સંભાવના છે તેવું વેપારીઓએ કહ્યું હતું.
દિંડોરી હોલસેલ માર્કેટના એક વેપારીએ કહ્યું કે હાલમાં ખરીફ પાક બજારમાં આવી રહ્યો છે. ડયૂટીના કારણે જો પૂરતી નિકાસ નહીં થશે તો આ જથ્થો સ્થાનિક બજારોમાં ઠલવાશે અને તેના કારણે સ્થાનિકમાં ભાવોમાં વધારે ઘટાડો થશે.
વર્ષ ૨૦૨૩-૨૪માં ઉત્પાદનમાં ઘટાડો થતા કેન્દ્રએ એક્સપોર્ટ ડયુટી લગાવી હતી. ભારતના કાંદા સામાન્ય રીતે મધ્ય પૂર્વના દેશોમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના નિકાસ થતા હોય છે. પાકિસ્તાન અને તુર્ર્કીના કાંદા પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ હોય છે.
ડિસેમ્બર ૨૦૨૩માં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદયો હતો. તે પછી મે ૨૦૨૪માં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ઉઠાવ્યો હતો અને ડોલર ૫૫૦ પ્રતિ ટનની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (એમઈપી) અને ૪૦ ટકા એક્સપોર્ટ ડયુટી લાદી હતી તે પછી સપ્ટેમ્બરમાં સરકારે એમઈપી નાબૂદ કરી હતી જ્યારે એક્સપોર્ટ ડયુટી ઘટાડીને ૨૦ ટકા કરી હતી. ડુંગળીના ખરીફ પાકનો દેશના કુલ ઉત્પાદનમાં પચ્ચીસ ટકા હિસ્સો છે. જ્યારે રવિ પાકનો કુલ હિસ્સો ૭૨-૭૫ ટકા જેટલો છે.