પશુઓને થતા કેન્સર વિશે ગઢચિરોળી જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન મળ્યું
ગાય,બળદ,ભેંસ,બકરીને સમયસર સારવાર ન મળવાથી મૃત્યુ પામતા હોય છે
મુંબઈ - માનવીની જેમ ગાય,ભેંસ,બળદ, શ્વાન વગેરેને પણ કેન્સરનો રોગ થાય છે.કેન્સરની બીમારીને કારણે દરદીની સારવાર દરમિયાન તેના રોજબરોજના આહર-વિહારમાં ફેરફાર થાય છે. બરાબર આ જ રીતે ખેડૂતોએ તેમનાં પશુઓના આહારમાં પણ જરૃરી ફેરફાર કરવા જરૃરી છે. ગાય,બળદ, ભેંસ વગેરેની પૂરતી કાળજી ન લેવાય તો તેનું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.
મહારાષ્ટ્ર સરકારના પશુસંવર્ધન વિભાગ દ્વારા રાજ્યના ગઢચિરોળી જિલ્લાના કિસાનોને કેન્સરની બીમારી દરમિયાન તેમનાં પશુઓની કાળજી કઇ રીતે રાખવી તે વિશે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના વિદર્ભના ગઢચિરોળી જિલ્લામાં ખેતીવાડીનો સારો વિકાસ થયો છે.ખેતીવાડી ક્ષેત્રથી ખેડૂતો સહિત અસંખ્ય લોકોને આજીવિકા મળે છે.ઘણા ખેડૂતો અનાજ,શાકભાજી સહિત દૂધનો પણ વ્યવસાય કરે છે. ખેડૂતો પાસે બળદ ઉપરાંત ગાય,ભેંસ,બકરી જેવાં દૂધાળાં પશુઓ પણ હોવાથી તેના આરોગ્યની પૂરતી કાળજી રાખવી જરૃરી હોય છે. જોકે ઘણા કિસ્સામાં કિસાનને પોતાનાં ગાય,ભેંસ,બકરીને કેન્સરની બીમારી થઇ હોવા વિશે જાણકારી નથી હોતી.પરિણામે ગાય કે ભેંસનો રોગ વધી જાય અને છેવટે તે મૃત્યુ પામે છે.
મહારાષ્ટ્ર સરકારના પશુસંવર્ધન ખાતાનાં સૂત્રોએએવી માહિતી આપી છે કે ગાય,ભેંસ,બકરી,શ્વાન વગેરેને થતા કેન્સરના બે પ્રકાર છે, બેનાઇલ અને મેલેગ્નંટ છે.બેનાઇલ પ્રકારનું કેન્સર ધીમે ધીમે વધે છે, જ્યારે મેલેગ્નટં બહુ ઝડપભેર આગળ વધે છે. જોકે ઘણા કિસ્સામાં ખેડૂતોને પોતાનાં ગાય,ભેંસને કેન્સર થયું હોવાનાં લક્ષણોની જાણકારી નથી હોતી. પરિણામે તેઆ તેમનાં પશુઓની સમયસર સારવાર કરી શકતા નથી કે તેમના રોજબરોજના આહારમાં ફેરફાર પણ કરી શકતા નથી.
ગાય,ભેંસ,બળદને કેન્સર થયું હોવાનાં લક્ષણોમાં આહાર ઓછો થવો, વજન ઘટી જવું, શરીરનાં જુદાં જુદાં અંગોમાં સોજો આવવો, થાક લાગવો, શ્વાસોચ્છવાસમાં તકલીફ થવી, ગાય,બળદ,ભેંસનાં શિંગડાંનું કદ તબક્કાવાર નાનું થઇ જવું વગેરેનો સમાવેશ થાય છે.