ભિવંડીમાં બે સ્થળે દરોડામાં 1.85 કરોડની નકલી દવાઓ જપ્ત
સરકારી હોસ્પિટલોમાં સપ્લાય થતો હતો
મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ દવાઓ મોકલાઈઃ 2 સામે ગુનો
મુંબઈ : ભિવંડીમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ બે સ્થળોએ દરોડા પાડીને રુ. ૧.૮૫ કરોડની કિંમતની બનવાટી દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે બે શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલામાં આંતરરાજ્ય ગેંગ સામેલ છે કે કેમ તેની સંબંધમાં વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી બનાવટી દવાઓના સંબંધમાં કુલ આઠ કેસો નોંધાયા છે. જેમાં આ બનાવટી દવાઓનો જથ્થો સરકારી હોસ્પિટલમાં પણ વેચાતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ઘટના મુજબ, ફેડીએની ટીમેે બાતમીના આધારે કામગીરી કરતા ભિવંડીના એક ગોદામમાં અને મીરા રોડ વિસ્તારમાં અન્ય એક એકમ પર દરોડા પાડવામા ંઆવ્યો હતો. અહીં એફડીએની ટીમને નકલી એન્ટિબાયોટિક દવાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.
આ બાદ આ દવાઓના સેમ્પલની ચકાસણી થતા તે બનાવટી હોવાનું જણાયું હતું. તેથી એફડીએ ટીમે રુ. ૧.૮૫ કરોડની કિંમતની નકલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ દવાઓ વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. જેનાથી જાહેર આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હતા.
નારપોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે શનિવારે બે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની ૩૧૮ (૪) (છેતરપિંડી), ૨૭૬ (દવાઓમાં ભેળસેળ), ૨૭૭ (ભેળસેળયુક્ત દવાઓનું વેચાણ), ૨૭૮ (દવાઓના અલગ અલગ વેચાણ) અને ૩ (૫) (બધાના સામાન્ય હેતુને આઘળ વધારવા માટે અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્ય) અને ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ હેઠળ કેસ નોધ્યો હતો.
પોલીસે અને એફડીએ આ બનાવટી દવાઓના ઉત્પાદન સ્થાનો, પેકેજિંગ સામગ્રીના સ્ત્રોત અને વિતરણ ચેનલોને ઓળખવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.