સાયનમાં સ્પેશ્યલ 26ની જેમ નકલી આઈટી રેડઃ 18 લાખ તફડાવ્યા
ગેંગમાં કેક બનાવનારા, ડ્રાઈવર, કોન્ટ્રાક્ટરો પણ સામેલ
બહેનના લગ્ન માટે ઘરમાં રાખેલી રકમ લૂંટી :પત્નીના નામની કારની નંબર પ્લેટના આધારે પતિ સહિત ગેંગ ઝડપાઈ
મુંબઇ : હિન્દી ફિલ્મ 'સ્પશ્યલ ૨૬'માં નકલી આઈટી અધિકારીઓની ગેંગ દરોડા પાડે છે બિલકૂલ તેવી જ ફિલ્મી સ્ટાઇલમાં ઇન્કમ ટેક્સ અધિકારીના સ્વાંગમાં લૂંટ કરવાની વધુ એક ઘટના મુંબઇમાં બની હતી. સાયનમાં ફલેટમાં ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને દરોડા પાડી રૃા.૧૮ લાખ તફડાવી નાસી ગયેલા આઠ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. લૂંટમાં ઉપયોગમાં લીધેલી કારની નંબર પ્લેટના આધારે પોલીસને કેસ ઉકેલવામાં મહત્વની કડી મળી હતી. આ ટોળકીમાં રિઅલ એસ્ટેટ , કેક શૉપનો વ્યવસાય કરનારી, કોન્ટ્રાકટર, ડ્રાઇવરનો સમાવેશ છે.
સાયન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર મનિષ શિર્કેના જણાવ્યા મુજબ માનખુર્દમાં રહેતા સંતોષ પટેલ (ઉ.વ.૩૭), રાજારામ માંગલે (ઉ.વ.૪૭), અમરદિપ સોનવણે (ઉ.વ.૨૯), ભાઉરાવ ઇંગળે (ઉ.વ.૫૨), સુશાંત લોહાર (ઉ.વ.૩૩) નવી મુંબઇના શરદ એકાવડે (ઉ.વ.૩૩) થાણેના અભય કાસલે (ઉ.વ.૩૩) ધારાવીના રામકુમાર ગુજરને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાયન (પૂર્વ)માં ફરિયાદી શ્રીલતા પટવા (ઉ.વ.૨૯)ના ફલેટમાં ચાર આરોપી ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં ઘૂસ્યા હતા. તેમનો એક સાથીદાર બિલ્ડિંગની નીચે ઉભા રહીને રેકી કરી રહ્યો હતો.
આરોપીએ ઇન્મક ટેક્સ ઓફિસરનું બનાવટી આઇડેન્ટી કાર્ડ દાખવી છાપો મારવાનું નાટક કરી ફલેટમાંથી રૃા.૧૮ લાખ લૂંટી લીધા હતા. ફરિયાદીએ તેની બહેનના લગ્નના ખર્ચ માટે ઘરે આ રકમ રાખી હતી.
આ મામલાની સાયન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કલમ ૧૭૦, ૩૪૨, ૪૦૨, ૪૫૨, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બ) હેઠળ કેસ દાખલ કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળથી સીસીટીવી ફૂટેજની તપાસણી કરી હતી. દરમિયાન ગુનામાં ઉપયોગમાં લીધેલી કારની નંબર પ્લેટની માહિતી મળી હતી.
આ કાર સરિતા માંગલેના નામ પર હતી પોલીસે સરિતાની પૂછપરછ કરી હતી. ત્યારે કાર તેનો પતિ રાજારામ ચલાવતો હોવાની ખબર પડી હતી. પોલીસે રાજારામને પકડીને ઝીણવટભરી પૂછપરછ કરી તેણે સાથીદારો સાથે મળીને ગુનો કર્યો હોવાનું કબૂલ કર્યું હતું. આણ પોલીસે આ કેસમાં આઠ આરોપીને ઝડપી લીધા હતા એક આરોપી પાસેથી ઇન્કમ ટેક્સ ઓફિસરનું બનાવટી આઇડેન્ટી કાર્ડ મળ્યું હતું.