રાકેશ રોશન સહિત અનેકને ઠગનારા નકલી સીબીઆઈ અધિકારીને 3 વર્ષની કેદ
રાકેશ રોશન પાસે કેસ સેટલ કરવા 50 લાખ પડાવ્યા હતા
2006થી સીબીઆઈ ઓફિસર તરીકે ફિલ્મી હસ્તીઓ ઉપરાંત અનેક બિઝનેસમેન સહિત 200 લોકો સાથે ઠગાઈ કરી
મુંબઈ :ફિલ્મ નિર્માતા રાકેશ રોશન સહિત અનેક લોકો સાથે સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં છેતરપિંડી કરવાના આરોપસર પકડાયેલા દિવ્યાંગ શખસને વિશેષ કોર્ટે કસૂરવાર જાહેર કરીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
વિશેષ સીબીઆઈ જજ વી. પી. દેસાઈએ આરોપી અશ્વિની કુમાર શર્માને કસૂરાવર ઠેરવ્યો હતો. તબીબી કારણસર શર્મા કોર્ટમાં હાજર રહ્યો નહોતો પણ કોર્ટની પરવાનગી સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી.
શર્માએ વિશેષ કોર્ટે ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવા અને અન્યથા બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવાના આપેલા ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. અરજીમાં દાવો કર્યો હતો કે તે ૮૦ ટકા દિવ્યાંગ છે અને કોર્ટમાં આવી શકે તેમ નથી.
શર્મા હાલ હરિયાણામાં પાણીપત જિલ્લામાં પરિવાર સાથે રહે છે અને તેણે બાંયધરી આપી હતી કે પોતે કોર્ટમાં હાજર નહોવાથી ચુકાદો ગેરકાયદે છે એવો દાવો કરશે નહીં. કેસના અન્ય આરોપી રાજેશ રાજનને ૨૦૨૨માં કસૂરવાર ઠેરવ્યો હતો. બંને જણને સીબીઆઈએ ૨૦૧૧માં પકડયા હતા. ૨૦૦થી વધુ જણ સાથે છેતરપિંડી કરી હતી જેમાં રાકેશ રોશન જેવી ફિલ્મી હસ્તી અને અનેક બિઝનેસમેનોનો પણ સમાવેશ છે.
આરોપી ૨૦૦૬થી લોકોને સીબીઆઈ ઓફિસર બનીને છેતરતા હતા. બંને જણ રાકેશ રોશન પાસેથી સિવિલ કેસ સેટલ કરવા પૈસા માગ્યા હતા. રોશને તેમને રૃ.૫૦ લાખ આપ્યા પણ હતા પણ મામલો ઉકેલાયો નહોવાથી ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી અને તેમનું કૌભાંડ બહાર આવ્યું હતું.
સીબીઆઈએ જણાવ્યા અનુસાર આદર્શ સોસાયટી સંબંધી કેસમાં કથિત આરોપી રાજકારણીનો પણ બંને આરોપીઓએ સંપર્ક કરીને કેસ રફેદફે કરવા બદલ મોટી રકમ માગી હતી.