એરપોર્ટ પર નકલી કેબ એપ સ્કેમઃ શઇૈં પાસે 10 મિનીટના 2800 રુ. વસૂલાયા
થોડા દિવસો પહેલાં ઓટોચાલકે 106 ભાડાંને બદલે 3500 વસૂલ્યાં હતાં
જોકે, કેબચાલકે મૂળ નાગપૂરના ઑસ્ટ્રેલિયન પ્રવાસીને વધુ ટ્રીપ માટે પોતાનો નંબર આપતાં 12 કલાકમાં પોલીસે તેને પકડી પાડયો
મુંબઈ : મુંબઈમાં એક નોન રેસિડેન્સિઅલ ઈન્ડિયન (એનઆરઆઈ) નાગરિક પાસેથી કેબચાલકે ૧૦ મિનીટના અંતરના પ્રવાસ માટે ૨૮૦૦ રુપિયા પડાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એનઆરઆઈએ એપ મારફતે કેબ બૂક કરાવી હતી પરંતુ આ એપ જ નકલી હોવાનું બહાર આવ્યું છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વિલેપાર્લેના ૧૦ મિનીટના અંતર માટે આટલાં પૈસાં પડાવનાર કેબચાલકની પોલીસે આખરે અટકાયત કરી છે. જોકે, આ રીતે નકલી કેબ એપથી અસંખ્ય લોકો ઠગાયા હોવાની સંભાવના છે.
ગત ૧૫મી ડિસેમ્બરે મૂળ નાગપુરના ડી વિજય એ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ એરપોર્ટ પર મધરાતે ઊતર્યા હતા. એરપોર્ટની બહાર આવતાં જ કેબ ચાલક વિનોદ ગોસ્વામી તેની પાસે આવ્યો હતો અને બનાવટી એપથી તેમનું બૂકિંગ લીધું હતું. ફક્ત ૧૦ જ મિનીટમાં હોટલ પહોંચી જવા છતાં પણ કેબ ચાલકે ૨૮૦૦ રુપિયા વસૂલતાં વિજયને પોતે છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. હૉટેલના કર્મચારીએ વિજયને જણાવ્યું હતું કે, તેઓ તેમની પીકઅપ સર્વિસ માટે ૭૦૦ રુપિયા લે છે. આથી તેમણે ઈમેઈલ દ્વારા પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી.
બીજીવાર શહેરમાં આવે તો મને ફોન કરજે, એવું કહી કેબચાલકે વિજયને પોતાનો નંબર આપ્યો હતો. આ નંબરની મદદથી પોલીસે ૧૨ કલાકમાં જ કેબચાલક ગોસ્વામીની અટક કરી તેનું વાહન જપ્ત કર્યું હતું. એક અધિકારી જણાવ્યું હતું કે, તેમણે એરપોર્ટ પર સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત રાખ્યા છે અને બે દિવસમાં એરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું વસૂલવા બદ્દલ નવ કેબચાલકો પર કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલાં સાંગલીના એક વિદ્યાર્થી પાસેથી એક રીક્ષાવાળાએ એરપોર્ટથી ચેમ્બુરનું ૧૦૬ રુપિયાનું ભાડું થતું હોવા છતાં ૩૫૦૦ રુપિયા વસૂલી લીધા હતા.