ફડણવીસ મને પતાવી દેવા માગે છે, તેમના ઘરે ધરણા કરીશઃ જરાંગે
- ફડણવીસના મુંબઈના સત્તાવાર નિવાસસ્થાન સુધીની કૂચ શરુ કરી દીધી
- બેફામ આક્ષેપબાજી સાંભળી સમર્થકોમાં અફરાતફરી મચીઃ અમુક જણે જરાંગેનું માઇક ઝૂંટવી લીધું
જાલના જિલ્લાના અંતરવાલી સૈરાટી ગામે આજે સંબોધન કરતા જરાંગેએ કહ્યું હતું કે ફડણવીસ મારો કાંટો કાઢી નાખવા માગે છે. જોકે જરાંગેએ અચાનક ફડણવીસ સામે આક્ષેપબાજી શરૂ કરતા તેના સમર્થકો સુદ્ધા આશ્ચર્યમાં પડી ગયા હતા.
જરાંગેએ જણાવ્યું હતું કે ફડણવીસ કેટલાક લોકોને મારા વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરવા માટે ઉશ્કેરે છે આ કાવતરાના મૂળમાં જ ફડણવીસ છે. એટલે હું આ જ ક્ષણે મુંબઇ પહોંચીને મલબાર હિલમાં ફડણવીસના બંગલાની સામે ધરણા કરવા માટે તૈયાર છું.
આ જાહેરાત સાંભળતાની સાથે જ ભેગા થયેલા સમર્થકો અને કાર્યકરોમાં અફરા તફરી મચી ગઇ હતી. અમુક જણે તો જરાંગેની માઇક જ ઝૂંટવી લીધું હતું.
જરાંગેના આક્ષેપોનો વળતો જવાબ આપતા ભાજપના નેતા નીતેશ રાણેએ કહ્યું હતું કે ફડણવીસના બંગલા સુધી પહોંચતા પહેલાં તમારે પક્ષના કાર્યકરોની મજબૂત દિવાલ વટાવવી પડશે એ ધ્યાન રાખજો. તમે માત્ર કોઇએ લખેલી સ્ક્રીપ્ટ વાંચીને બોલો છો એ અમને ખબર છે. તમારે રાજકારણમાં ઝંપલાવવું જોઇએ, પણ આટલી હદે નીચા ઉતરી જઇ ફડણવીસ સામે બેફામ આક્ષેપો ન કરવા જોઇએ.
મુંબઇના ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે જણાવ્યું હતું કે મનોજ જરાંગેનો ખરો ચહેરો છત્તો થઇ ગયો છે.
મહારાષ્ટ્ર સરકારે ગઇ ૨૦મી ફેબુ્રઆરીએ વિધાનસભાનું ખાસ સત્ર યોજી એમાં બિલ પાસ કરી મરાઠી સમાજને ૧૦ ટકા આરક્ષણ આપ્યું છે. છતાં જરાંગેને આ માન્ય નથી.
જરાંગેએ ફરી મુંબઈ તરફ કૂચ શરુ કરતાં સરકારમાં દોડધામઃ પોલીસ સતર્ક
મુંબઇ : મનોજ જરાંગે પાટીલ બપોર પછી અંતરવાલી સૈરાટી ગામેથી મુંબઈ આવવા માટે રવાના થયા હતા. આ જાણ થતાની સાથે જ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થતી રોકવાના પગલા લેવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બન્ને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મસલત કરી હતી.