Get The App

મહારાષ્ટ્રમાં હવે ફડણવીસ 'નાથ' : શિંદે રિસામણાં છોડી નાયબ સીએમ બન્યા

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં હવે ફડણવીસ 'નાથ' : શિંદે રિસામણાં છોડી નાયબ સીએમ બન્યા 1 - image


- મહારાષ્ટ્રનાં રાજકીય મહાનાટકમાં અંતે સૌ સારા વાના

- પીએમ સહિતના મહાનુભવો સાથે 40 હજારની મેદની વચ્ચે યોજાયેલા સમારોહમાં અજિત પવારનો છઠ્ઠી વખત નાયબ સીએમ તરીકે શપથનો રેકોર્ડ 

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બહુમતી બાદ ૧૨ દિવસ સુધી ચાલેલાં મુખ્યપ્રધાન પદ અંગેના સસ્પેન્સ અને એકનાથ શિંદેના સરકારમાં જોડાવા-નહિ જોડાવાં અંગેના ત્રાગાંઓનાં અંતે આજે આખરે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ૨૦મા મુખ્યપ્રધાન તરીકે શપથ લેતાં મહારાષ્ટ્રના રાજકીય મહાનાટકનો નવી સરકારની રચનાનો એક અંક પૂર્ણ થયો છે.  

આજે સાંજે મુંબઈના આઝાદ મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય પ્રધાનો, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, દેશના ટોચના ઉદ્યોગપતિઓ ઉપરાંત શાહરુખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ સહિતની અનેક બોલિવુડ સેલિબ્રિટીઓ સહિત ૪૦ હજારની જનમેદની વચ્ચે યોજાયેલા શપથ સમારોહમાં  હા-ના, હા-ના કરતા એકનાથ શિંદેએ આખરે તમામ રિસામણાં છોડી નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. બીજી તરફ  અજિત પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે છઠ્ઠીવાર શપથ લઈ એક અનોખો રેકોર્ડ  સર્જ્યો હતો. જોકે, પ્રધાનમંડળની રચના બાબતે સાથી પક્ષોમાં જારી ખટરાગના કારણે આજે અન્ય કોઈ પ્રધાનોના શપથ  થયા ન હતા. હવે આવતાં સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તેવી અટકળો છે. 

જોકે, ખાતાંની વહેંચણી માટે ખટરાગ ચાલુ રહેતાં હજુ મંત્રીમંડળની રચના બાકી , આવતાં સપ્તાહે વિસ્તરણની સંભાવના

શપથ લીધા બાદ તરત  જ સીએમ અને બંને નાયબ મુખ્યપ્રધાનોની ત્રિપૂટી સચિવાલય પહોંચી હતી. ત્યાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. ફડણવીસે બાદમાં ફરીથી સીએમ તરીકે પહેલી પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે  અમે સ્થિર સરકાર પૂરી પાડશું. કોઈ કિન્નાખોરીની ભાવના રાખશુ નહિ તથા  રાજ્યમાં હવે નવી તરાહનું રાજકારણ જોવા મળશે. 

શપથ સમારોહમાં હાજર રહેનારા મહાનુભવોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જે. પી. નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો યોગી આદિત્યનાથષ નીતિશ કુમાર, હેમંતા બિશ્વા શર્મા, મોહન યાદવ, પ્રમોદ સાવંત સહિતના નેતાઓનો સમાવેશ થતો હતો. 

બોલીવૂડના કલાકારોમાં શાહરુખ ખાન, સલમન ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, માધુરી દીક્ષિત ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિતના મહાનુભવો પણ શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. 

નાગપુર સાઉથથી  ચૂંટાયેલા ફડણવીસ, થાણેથી ચૂંટાયેલા શિંદે તથા બારામતીથી ચૂટાયેલા અજિત પવારને રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને હોદ્દા તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

શપધ બાદ ત્રણેય નેતાઓએ યોજેલી પહેલી કેબિનેટમાં  આગામી તા. ૭મીથી નવમી સુધી વિધાનસભાનું ખાસ સત્ર બોલાવી તમામ ધારાસભ્યોના શપથ યોજવાનો નિર્ણય લેવાયો હતો. 

શિંદેએ ગઈકાલે બપોરે જાહેર કર્યુ હતું કે પોતે નાયબ મુખ્યમંત્રી તરીકે જોડાવા બાબતે આખરી નિર્ણય લીધો નથી. આજે બપોર સુધી આ મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. છેવટે શિવસેનાના ધારાસભ્યોે જો શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી ન બને તો કોઈ શિવસેના ધારાસભ્ય પણ મંત્રી તરીકે નહિ જોડાય તેવીચિમકી આપી હતી. આખરે બપોરે સાડા ત્રણ વાગ્યે શિવસેના તરફથી રાજભવનને મેસેજ અપાયો હતો કે શિંદે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. 

હજુ પણ ખાતાં વહેંચણી માટે મડાગાંઠ યથાવત છે. શિંદે ગૃહ ખાતું માગી રહ્યા છે પરંતુ ભાજપ તે માટે સંમત નથી. આથી પ્રધાનોની શપથવિધિ ઠેલાઈ છે. મોટાભાગે આવતાં સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ફડણવીસ ત્રીજી વાર મુખ્યપ્રધાન બન્યા છે. અગાઉ  તેઓ ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ભાજપ અને શિવસેનાની યુતિ સરકારના સીએમ હતા. તે પછી ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી બાદ તેમણે અજિત પવારના સપોર્ટથી મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. જોકે, અજિત પવાર બાદમાં પાણીમાં બેસી જતાં ફડણવીસે પાંચ જ દિવસમાં રાજીનામું આપવું પડયું હતું. એ પછી ઉદ્ધવ ઠાકરેનાં વડપણ હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર રચાઈ હતી. તે સરકારનું શિંદેના બળવાના કારણે પતન થયું હતું. ત્યારબાદ શિંદેની સરકારમાં ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ફડણવીસ રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હોય તે પછી મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા પહેલા નેતા બન્યા છે. 

શપથ ગ્રહણમાં આઘાડીના નેતાઓ ગેરહાજર

રાજ્યમાં મહાયુતિની નવી સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વિપક્ષ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષના નેતાઓમાં  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે કોંગ્રેસના નેતા નાના પટોલે તેમ જ એન.સી.પી. (એસ.પી.)ના વડા શરદ પવાર  સુપ્રિયા સૂળે પણ ગેરહાજર રહ્યાં હતાં. 


Google NewsGoogle News