યુવકનું અપહરણ કરીને તેનો અશ્લિલ વિડીયો બનાવીને લાખોની ઉચાપત
- મલાડમાં બદલો લેવા આરોપીઓએ આ કૃત્ય કર્યું
- યુવકને અન્ય જગ્યાએ 12 કલાક ગોંધી રાખીને તેનો વિડીયો બનાવ્યો હતો : બેની ધરપકડ
મુંબઈ : મુંબઈમાં ૨૭ વર્ષીય યુવકનું અપહરણ કરવા અને તેનો અશ્લિલ વિડીયો બનાવીને તેને બ્લેકમેઈલ કરીને લાખો રુપિયાની ઉચાપત કરવાના મામલે શુક્રવારે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ગુનાના મુખ્ય આરોપી વિરુદ્ધ કામના સ્થળે બેફામ વર્તન માટે યુવકે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ આરોપીને તેની નોકરી ગુમાવવી પડી હતી. તેથી આરોપીએ બદલો લેવા માટે આ દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં અગ્નલ એસ ગોમ્સ અને આદિત્ય રાજશ્રી બડેકરની ધરપકડ કરવામાં આવી હતી.
ગોમ્સ અને ફરિયાદી બંને અગાઉ એક જ સ્થળ પર કામ કરતા હતા.ગોમ્સ અને ૨૭ વર્ષીય યુવક બંને કોલ સેન્ટરમાં સાથે કામ કરતા હતા. અહીં ગોમ્સ મેનેજર તરીકે કાર્યરત હતો. તેથી લોકોને તે તેની મરજી મુજબ કામ કરવા દબાણ કરતો હતો.
આખરે યુવકે એપ્રિલમાં ગોમ્સ વિરુદ્ધ ફરિયાદ કરતા તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. તેથી ગોમ્સ આનો બદલો લેવા માંગતો હતો. જેથી તેણે ફરિયાદીની હિલચાલ પર નજર રાખવાનું શરુ કર્યું હતું. આ કાર્યમાં તેના મિત્ર બડેકરે પણ તેનો સાથ આપ્યો હતો.
૨૭ વર્ષીય યુવક ગુરુવારે વહેલી સવારે કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે પીડીત કેબમાંથી નીચે ઉતરતા જ બડેકર તેની પાસે આવ્યો હતો. આ બાદ ગોમ્સ પણ તેની પાસે આવ્યો હતો અને બંને આરોપીઓએ ફરિયાદીને માર માર્યો હતો. આ બાદ બંને આરોપીઓ તેને કામના સ્થળે લઈ ગયા હતા અને અહીંં અમે કઈ રીતે બદલો લીધો તે કર્મચારીઓને બતાવ્યું હતું. આ બાદ બંને આરોપીઓ યુવકને અન્ય જગ્યાએ લઈ ગયા હતા અને ૧૨ કલાક સુધી તેને અહીં ગોંધી રાખ્યો હતો. આ બાદં તેને અર્ધ નગ્ન કરીને તેનો અશ્લિલ વિડીયો બનાવવા માટે દબાણ કર્યું હતું.
વધુમાં ફરિયાદીના હાથમાં ગાંજાના પેકેટ રાખવા પણ દબાણ કરવામાં આવ્યું હતું.જેથી તેથી ડ્રગ્સ વેચતો હોય તેવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ પીડીત પાસેથી લાખોની રોકડ રકમ પણ ઉચાપત કરી હતી.
વધુમાં, જો તે પોલીસમાં આ અંગે ફરિયાદ કરી તો આ વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરી દેવાની ધમકી પણ પીડીતને આપવામાં આવી હતી અને મલાડમાં તેના નિવાસ્થાને યુવકને છોડી મૂકવામાં આવ્યો હતો.
પીડીત ઘરે પહોંચ્યા બાદ તરત જ માલવણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે બંને સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બંનેની શોધખોળ હાથ ધરી હતી.
શુક્રવારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેના માટે વધુ તપાસ હાથ ધરાઈ હતી.